નવી દિલ્હીઃ હાલમાં  ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લેંગર બિન્ની આજે સ્પોર્ટ્સ જગતમાં સૌથી મોટું નામ ગણાય છે. શરૂઆતમાં ક્રિકેટને નફરત કરવાથી લઈને હોકી વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ 2010, 2012 અને 2015 અને 2019 વર્લ્ડ કપ સહિત આઈસીસીના આયોજનો સહિત વૈશ્વિક આયોજનોની મેજબારી માટે હવે આઈપીએલ હોસ્ટ કરનાર મયંતીએ પોતાની કારકિર્દીના મુશ્કેલીના દિવસો પર વાત કરી છે.

આજે મયંતી લેંગર જે ઉંચાઈ પર છે તેને જોઈને તમને અંદાજ પણ ન લગાવી શકો કે તેણે અહીં સુધ પહોંચવા માટે સખત મેહનત કરી હશે. હવે મયંતીએ પોતાની કારકિર્દીના મુશ્કેલ સમય વિશે વાત કરતાં એક મેગેઝીનને જણાવ્યું કે, મને ચાર વખત આઈપીએલમાં રિજેક્ટ કરવામાં આવી હતી. આઈપીએલ 2011 પહેલા તેને કહેવામાં આવ્યું કે મને ફાઈનલ કરી લેવામાં આવી છે. તેમણે ફરી કોલ કર્યો અને કહ્યું, ‘તમે હમણાં જ વર્લ્ડ કપ કર્યો છે, તમે આ નહીં કરી શકો, અમને હવે એક નવો ચેહરો જોઈએ છે.’



મયંતીએ કહ્યું હતું કે તે આઈપીએલમાં રિજેક્ટ થયા પછી હાર માની ચૂકી હતી. એવું ન હતું કે તમે સારા ન હતા પણ હું જાણતી હતી કે તે શું શોધી રહ્યા છે. જીવનમાં ક્યાંય પણ રિજેક્ટ થવું ઘણી તકલીફ આપે છે અને શાંત રહેવું મુશ્કેલ હોય છે. જોકે મેં પોતાને શાંત રાખી હતી અને વિચાર કર્યો તે આઈપીએલ મારા નસીબમાં નથી.

જોકે 2018માં ફરી મયંતીને આઈપીએલ હોસ્ટ કરવાની તક મળી. મયંતીએ કહ્યં હતું કે હું વિચારી રહી હતી કે મને કેટલી મેચોમાં જવાની તક મળશે. આ પછી મને તક મળી અને હું ગઈ. એક સમયે મેં પોતાને કહ્યું કે ચુપચાપ કામ કરું કારણ કે આ માટે મેં ઘણી રાહ જોઈ હતી.

મયંતીએ પોતાની સફળતા માટે ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીનો આભાર માન્યો હતો. બંને 2010માં લગ્નના બંધનમાં બંધાયા હતા. મયંતીએ કહ્યું હતું કે બિન્ની મારી મુશ્કેલો વિશે જાણે છે અને તે જાણે છે કે મેં અહીં સુધી પહોંચવામાં કેટલી મહેનત કરી છે. મને યાદ છે કે બિન્નીએ મને કહ્યું હતું કે જાવ આઈપીએલનો આનંદ લો, આ તારી સિઝન છે. મને તેમા મજા આવી હતી કારણ કે બિન્ની પણ આઈપીએલ રમી રહ્યો હતો.