વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી મેરી કોમ, છઠ્ઠા ગોલ્ડ મેડલથી માત્ર એક ડગલું દૂર
નવી દિલ્હી: પાંચ વખત વિશ્વ ચેમ્પિયન એમસી મેરીકોમ વિશ્વ મહિલા મુક્કેબાજ ચેમ્પિયનશીપમાં 48 કિલો કેટેગરીમાં ફાઈનલમાં પહોંચી ગઈ છે. ગુરુવારે સેમીફાઈનલમાં નોર્થ કોરિયાની કિંમ હ્યાંગ મીને 5-0થી હરાવી હતી.
આ જીત સાથે ભારતની 35 વર્ષીય સ્ટાર મુક્કેબાજ મેરીકોમ સૌથી વધુ વખત બોક્સર વર્લ્ડકપના ફાઈનલમાં પહોંચનારી મહિલા બની ગઈ છે. ફાઇનલ મુકાબલો 24 નવેમ્બરે થશે.
મેરીકોમે વર્લ્ડ બોક્સિંગમાં અત્યાર સુધી 5 ગોલ્ડ મેડલ અને એક એક સિલ્વર સહિત 6 મેડલ જીત્યા છે. આયરલેન્ડની કેટી ટેલરે પણ સ્વર્ણ પદક સાથે છ મેડલ જીત્યા છે. જોકે કેટી હવે પ્રોફેશનલ બોક્સર બની ગઈ છે. તેથી તેણે આ સ્પર્ધામાં ભાગ લીધો નહતો. આ સંજોગોમાં મેરીકોમ હવે વિશ્વ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે પદક જીતનારી મહિલા બોક્સર થઈ ગઈ છે.
મેરીકોમે વિશ્વકપમાં અત્યાર સુધી પાંચ ગોલ્ડ મેડલ જીત્યા છે જેમાં પ્રથમ 2001માં સિલ્વર મેડલ જીત્યો હતો ત્યાર બાદ 2002, 2005, 2006, 2008 અને 2010માં ગોલ્ડ મેડલ જીત્યા છે.