નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને જાણીતા કોમેન્ટેટર માઈકલ સ્લેટરને વિમાનમાંથી બહાર કાઢી મુકવાની ઘટના સામે આવી છે. સ્લેટરને રવિવારે બે મહિલા મિત્રોની સાથે બોલાચાલી બાદ વિમાનમાંથી ઉતારી મુકવામાં આવ્યા હતા. સ્લેટરે આ ઘટના દરમિયાન ખુદને બાથરૂમમાં બંધ કરી દીધા હતા. જોકે, દિગ્ગજ બેટ્સમેને ખુદને બાથરૂમમાં બંધ કરવાની વાત નકારી કાઢી છે.



માઈકલ સ્લેટર રવિવારે બપોરે કંટાસ પ્લેનમાં સિડનીથી વાગ્ગા વાગ્ગા જઈ રહ્યો હતો, તે સમયે બે મહિલાઓ સાથે તેની બોલાચાલી થઈ હતી, જે તેની નજીકની સીટમાં બેસેલી હતી. પ્લેનમાં માથાકૂટ થતાં ફ્લાઈટ ટેક ઓફ થાય તે પહેલાં જ સ્લેટરને પ્લેનની નીચે ઉતારી દેવાયો હતો. અહેવાલ અનુસાર, ઝઘડો કરી રહેલી મહિલાને ખબર ન હતી કે, તે જે વ્યક્તિ સાથે ઝઘડો કરી રહી છે તે એક દિગ્ગજ ક્રિકેટર હતો.



ફ્લાઈટમાં પ્રવાસ કરનાર લોકોએ કહ્યું કે, સ્લેટરે પોતાને બાથરૂમમાં બંધ કરતાં પહેલાં એક મહિલા પર રોષે ભરાયો હતો અને તેને ગાળો બોલી હતી. અને બાદમાં પોતાને બાથરૂમમાં બંધ કરી દીધો હતો. જો કે સ્લેટરના મેનેજમેન્ટે આ વાતને ફગાવી દીધી હતી. આ અંગે સ્લેટરે કહ્યું કે, વાગ્ગાની ફ્લાઈટમાં મારી બે મિત્રો સાથે બબાલ થઈ હતી અને તેના કારણે થયેલી અસુવિધા બદલ હું માફી માગું છું.