નવી દિલ્હીઃ હાલમાં એશીઝ સીરીઝની અંતિમ ટેસ્ટ મેચ ઓવલ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે, પહેલા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડની ટીમે 8 વિકેટ ગુમાવીને 271 રન બનાવી લીધા છે. પહેલા દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયા તરફથી હીરો મિશેલ માર્શ રહ્યો, તેને ચાર વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો હતો.

સીરીઝની પહેલી મેચ રમનારા 27 વર્ષીય ઓલરાઉન્ડર મિશેલ માર્શે પહેલા દિવસની રમત બાદ એક મોટુ રાજ ખોલ્યુ હતુ. માર્શે કહ્યું કે, હું ઓસ્ટ્રેલિયા માટે સારુ પ્રદર્શન કરુ છુ, છતાં મારા જ દેશના કેટલાય લોકો મને પસંદ નથી કરતાં, મને નફરત કરે છે.



માર્શે કહ્યું કે, “ઓસ્ટ્રેલિયાના મોટાભાગના લોકો મને નફરત કરે છે, ઓસ્ટ્રેલિયન બહુજ ભાવુક છે, તે પોતાની ક્રિકેટને પ્રેમ કરે છે. તે ઇચ્છે છે કે લોકો સારુ કરે. આમાં કોઇ શંકા નથી કે મારી પાસે ટેસ્ટ ક્રિકેટ માટે ખુબ સમય છે, મોકો છે. હું બેગી ગ્રીન કેપને ખુબ પ્રેમ કરુ છુ અને હું કોશિશ કરતો રહીશ અને આશા છે કે એક દિવસ હુ જીતી લઇશ.”


નોંધનીય છે કે, પાંચ ટેસ્ટ મેચોની એશીઝ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે, હાલ પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. જોકે, મિશેલ માર્શને છેલ્લી ટેસ્ટમાં રમવાનો મોકો મળ્યો છે.