નવી દિલ્હીઃ અત્યાર સુધી તમે ક્રિકેટરની અનેક અનોખી પ્રેમ કહાનીઓ સાંભળી હશે, પરંતુ જે કહાની પાકિસ્તાની ક્રિકેટરની છે તે થોડી અચરજ ભરી છે, જેની કોઈએ સપનામાં પણ કલ્પના કરી નહીં હોય. આ કહાનીનો નાયક છે ક્રિકેટર અને નાયિકા વકીલ. ક્રિકેટરનો કેસ લડતા લડતા વકીલને એ એટલો પસંદ આવ્યો કે તેની સાથે જ લગ્ન કરી લીધા.

આ અજીબોગરીબ પ્રેમ કહાની પાકિસ્તાનના જાણીતા ક્રિકેટર મોહમ્મદ આમિરની છે. આમિર ઇંગ્લેન્ડમાં જ્યારે મેચ ફિક્સિંગના આરોપમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે તને પોતાની વકીલ સાથે જ પ્રેમ થઈ ગયો.

ઇંગ્લેન્ડમાં 2010માં મેચ ફિક્સિંગ વિવાદમાં ફસાવાને કારણે કેસની સુનાવણી ચાલી રહી હતી. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફે તત્કાલીન કેપ્ટન સલમાન બટ્ટના કહેવા પર જાણીજોઈને નો બોલ ફેંક્યો હતો. આઈસીસીએ આમિર પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. આમિરનો કેસ પાકિસ્તાની મૂળની વકીલ નરજિસ લડી રહી હતી.



આ કેસની સુનાવણી દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જે બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. જોકે, એ સમય બંનેએ કોઈને આ અંગે જણાવ્યું ન હતું. આમિરના મુશ્કેલ સમયમાં તેણી તેની સાથે જ હતી. જેલમાં સજા ભોગવ્યા પછી આમિર પાકિસ્તાન આવ્યો હતો અને વર્ષ 2014ના વર્ષમાં રીત-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.

મોહમ્મદ આમિરે 17 વર્ષની ઉંમરમાં પાકિસ્તાન ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી હતી. તે પોતાની સ્પિડ માટે જાણીતો હતો. વર્ષ 2009માં આમિરને પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાં મોકો મળ્યો હતો. જોકે, તેના એક વર્ષ બાદ જ ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચ દરમિયાન સ્પૉટ ફિક્સિંગને કારણે તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાગી ગયો હતો. વર્ષ 2015માં તેણે ક્રિકેટની દુનિયામાં વાપસી કરી હતી.

વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આમિરે ભારત વિરુદ્ધ અદભૂત પ્રદર્શન કરીને પાકિસ્તાનને ખિતાબ જીતાવવામાં મદદ કરી. થોડા સમય પહેલા જ તેણે ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી છે.