Mohammed Shami: કોલકાતાની એક કોર્ટે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તેની અલગ થઈ ગયેલી પત્ની હસીન જહાંને માસિક 1 લાખ 30 હજાર રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. 1,30,000 રૂપિયામાંથી 50,000 રૂપિયા હસીન જહાં માટે વ્યક્તિગત ભરણપોષણ હશે અને બાકીના 80,000 રૂપિયા તેની સાથે રહેતી તેની પુત્રીના ભરણપોષણ માટે હશે.


 નોંધનીય છે કે મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ મારપીટ, રેપ, હત્યાનો પ્રયાસ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. શમીના કહેવા મુજબ તેને બાદમાં ખ્યાલ આવ્યો હતો કે આ તેની પત્નીના બીજા લગ્ન હતા. 


 ઉલ્લેખનીય છે કે હસીન જહાં અને શમીના લગ્ન 2014માં થયા હતા. હસીન એક મોડલ હતી. પછી તે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ચીયર લીડર બની ગઈ. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ અને તેઓ એકબીજાના દીલ આપી બેઠા. બાદમાં શમીએ પરિવારની મરજી વિરૂદ્ધ જઈને હસીન સાથે લગ્ન કર્યા.


હસીનના પહેલા પતિનું નામ સૈફુદ્દીન હતું. તે પશ્ચિમ બંગળામાં સ્ટેશનરી દુકાન ચલાવે છે. હસીનના પૂર્વ પતિએ મીડિયાને જણાવ્યું હતું કે તે 10માં ધોરણથી એકબીજાના પ્રેમમાં હતા. તેમના લગ્ન 2002માં થયા હતા અને તેમને બે દીકરીઓ પણ છે. 2010માં બન્નેના છૂટાછેડા થયા હતા.


વર્ષ 2018માં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ  ઘરેલુ હિંસા, મેચ ફિક્સિંગ, દહેજ ઉત્પીડન જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પછી મોહમ્મદ શમીએ પત્નીના આરોપો પર ખુલાસો કર્યો હતો. બાદમાં શમી અને હસીન જહાં અલગ થઈ ગયા હતા. 


2018 માં હસીન જહાંએ કોર્ટમાં 10 લાખ રૂપિયાની માસિક ભરણપોષણની માંગણી કરીને દાવો દાખલ કર્યો હતો, જેમાંથી 7,00,000 રૂપિયા તેણીનું અંગત ભરણપોષણ હશે અને બાકીના 3,00,000 રૂપિયા તેની પુત્રીના ભરણપોષણ પર ખર્ચવામાં આવશે.


તેમના વકીલ મૃગંકા મિસ્ત્રીએ કોર્ટને માહિતી આપી હતી કે ભારતીય ફાસ્ટ બોલરના નાણાકીય વર્ષ 2020-21ના આવકવેરા રિટર્ન મુજબ, તે નાણાકીય વર્ષ માટે તેમની વાર્ષિક આવક રૂ. 7 કરોડથી વધુ હતી અને તેના આધારે માસિક આવકની માંગ કરી હતી. 10 લાખનું ભથ્થું ગેરવાજબી નહોતું.


જો કે, શમીના વકીલ સેલિમ રહેમાને દાવો કર્યો હતો કે હસીન જહાં પોતે પ્રોફેશનલ ફેશન મોડલ તરીકે કામ કરીને સતત આવકનો સ્ત્રોત કમાઈ રહી છે, તેથી તે ઉચ્ચ ભરણપોષણની માંગ વાજબી નથી. આ કેસમાં છેવટે, બંને પક્ષોને સાંભળ્યા બાદ  નીચલી અદાલતે સોમવારે માસિક 1.30 લાખની રકમ નક્કી કરી હતી. કોર્ટના નિર્દેશ માટે આભાર વ્યક્ત કરતી વખતે હસીન જહાંએ દાવો કર્યો હતો કે જો માસિક ભરણપોષણની રકમ વધુ હોત તો તેને રાહત મળી હોત.