એડિલેડ: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ડે નાઈટ ટેસ્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીના કાંડામાં ઈજા થથા તે ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. મોહમ્મદ શમી બીજી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. શમીએ આ ઇજાના કારણે રિટાયર હર્ટ થવું પડ્યું હતું અને તે ફિલ્ડિંગ કરવા પણ નહોતો આવ્યો. હવે તેનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કાંડામાં ફેક્ચરની પુષ્ટી થઈ છે.


જો કે, શમીના સીરિઝમાંથી બહાર થવાને લઈ બીસીસીઆઈ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પરંતુ સૂત્રો અનુસાર મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાકીની બે ત્રણ ટેસ્ટ મેચ નહીં રમે.

મોહમ્મદ શમીના બહાર થવાથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.  અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્માપણ ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસનો હિસ્સો નથી. એવામાં બીસીસીઆઈના સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોહમ્મદ સિરાજ મેલબર્નમાં રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરી શકે છે. સિરાજે પ્રેક્ટિસ મેચોમાં પોતાની બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા.



ટીમ ઈન્ડિયા પાસે નથી વધુ વિકલ્પ

મોહમ્મદ શમીના બહાર થયા બાદ ટીમ ઈન્ડિયા પાસે ફાસ્ટ બોલરોમાં વધારે વિકલ્પ બચ્યા નથી. હાલમાં મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની જ બેકઅપ બોલર તરીકે ટીમ ઈન્ડિયા સાથે ઉપલબ્ધ છે. જો કે, નેટ બોલર તરીકે ટી. નટરાજન અને કાર્તિક ત્યાગી ઓસ્ટ્રેલિયામાંજ ટીમ ઈન્ડિયા સાથે છે. પરંતુ તેઓ ટીમ સાથે જોડાશે તેવી સંભાવના ખુબજ ઓછી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી કારમો પરાજય થયો હતો. મેચ જીતવા 90 રનનો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જો બર્ન્સ 51 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી અશ્વિને 1 વિકેટ ઝડપી હતી. જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-0ની લીડ લઈ લીધી છે.