નવી દિલ્હીઃ આઈપીએલ 2013 મેચ ફિક્સિંગને પોતાના જીવનનો સૌથી ખરાબ અને નિરાશાનજક સમય ગણાવતા ધોનીએ સવાલ કર્યો કે, ખેલાડીઓનો શું વાંક હતો. બે વખત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને રોર ઓફ ધ લાયન ડોક્યૂડ્રામામાં આ મામલે મૌન તોડ્યું છે. ભારતીય ક્રિકેટના આ પ્રકરણમાં મેનેજમેન્ટની ભૂમિકાને કારણે ચેન્નઈ સુપર કિંગ્સે બે વર્ષનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.


ધોનીએ કહ્યું કે, ‘2013 મારા જીવનનો સૌથી કપરો સમય હતો. હું ક્યારેય આટલો નિરાશ નહોતો થયો, જેટલો તે સમયે હતો. આ પહેલા 2007ના વર્લ્ડકપમાં નિરાશા થઈ હતી, જ્યારે અમે ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગયા હતા પણ તેમાં અમે ખરાબ ક્રિકેટ રમ્યા હતા. 2013ની તસવીર અલગ હતી. લોકો મેચ ફિક્સિંગ અને સ્પૉટ ફિક્સિંગની વાતો કરતા હતા. તે સમયે આખા દેશમાં આ જ વાતો થઈ રહી હતી.’



ધોનીએ હોટસ્ટાર પર પ્રસારિત પહેલા એપિસોડટટ ‘વૉટ ડિડ વી ડૂ રૉન્ગ’ માં કહ્યું કે, ચેન્નઈ સુપરકિંગ્સ પર 2 વર્ષનો પ્રતિબંધ લાગ્યો. તે સમયે મિશ્રિત લાગણીઓ હતી કારણ કે ઘણી બધી વાતોને તમે પોતાના પર લઈ લો છો. કેપ્ટન તરીકે આ જ સવાલ હતો કે, ટીમનું શું ભૂલ હતી.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘અમારી ટીમે ભૂલ કરી પણ શું તેમા ખેલાડીઓ શામેલ હતા? તેમની શું ભૂલ હતી કે, તેમને આટલું સહન કરવું પડ્યું.’

ધોનીએ ડૉક્યૂમેન્ટ્રીમાં કહ્યું કે, મેચ ફિક્સિંગ ખૂનથી પણ મોટો ગુનો છે. તેણે કહ્યું, ‘હું આજે જે પણ છું તે ક્રિકેટના કારણે છે. મારા માટે સૌથી મોટો ગુનો કતલ નહીં પણ મેચ ફિક્સિંગ છે. જો લોકોને લાગતું હોય કે, મેચનું પરિણામ અસાધારણ એટલે છે કેમ કે, મેચ ફિક્સ છે તો લોકોનો ક્રિકેટ પરથી વિશ્વાસ ઉઠી જશે અને મારા માટે આનાથી વધુ દુ:ખદ કંઈ નહીં હોય.’