નવી દિલ્હીઃ હાલમાં ચાલી રહેલી આઇપીએલ ટૂર્નામેન્ટમાં કેપ્ટન કૂલ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીને મોટો દંડનો સામાનો કરવો પડ્યો છે. કેપ્ટન ધોની રાજસ્થાન સામેની મેચમાં ગુસ્સે ભરાઇને મેદાન પર પહોંચી ગયો હતો, જોકે, ધોની આઉટ થયા બાદ આ હરકત કરતાં આચાર સંહિતાનું ઉલ્લંઘન થયુ હતુ. જેને લઇને ધોની પર મેચ ફીનો 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

નિયમ પ્રમાણે જ્યારે કોઇપણ ખેલાડી આઉટ થઇ જાય ત્યારબાદ તે મેદાન પર આવી શકતો નથી, જ્યારે ધોની આઉટ થયા બાદ એક નૉ બૉલને લઇને એમ્પાયર સાથે ઝઘડો કરવા મેદાન પર પહોંચી ગયો હતો.

નિયમ અનુસાર, ધોની પર આચાર સંહિતા ઉલ્લંઘન કરવાના દોષથી 50 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે, આઇપીએલની અનુચ્છેદ 2.20 અંતર્ગત ધોનીએ લેવલ 2નો ગુનો કર્યો છે, તેને સ્વીકારી પણ લીધો છે.



ઘટના એવી છે કે, છેલ્લી ઓવરમાં રાજસ્થાનના બૉલર બેન સ્ટૉકે ચોથો બૉલ સેન્ટનરને નાંખ્યો, જેના પર બે રન લીધા. પહેલા આ બૉલને એમ્પાયરે નૉબૉલ આપ્યો પછી નિર્ણય પાછો લઇ લીધો હતો. આ કારણે ગુસ્સે ભરાયેલો ધોની મેદાન પર દોડી ગયો અને એમ્પાયર સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.