નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2019માં શાનદાર પ્રદર્શન કરી રહેલ ટીમ ઇન્ડિયાનું સપનું એ સમયે તૂટી ગયું જ્યારે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં જે રીતે મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરી રહ્યા હતા તે સમયે આશા હતી કે ટીમ ઇન્ડિયા જીતી જશે. પરંતુ જ્યારે મહેન્દ્ર સિંહ ધોની રન આઉટ થયા તો બધાની આશા પડી ભાંગી. એમએસ ધોનીએ હવે 6 મહિના બાદ રન આઉટ પર મૌન તોડ્યું છે.


ધોનીએ શું કહ્યું?

એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં ધોનીએ કહ્યું, ‘હું મારી જાતને કહી રહ્યો હતો, મેં ડાઈવ કેમ ન લગાવી. એ બે ઇંચને લઈનેમાં હું મારી જાતને સતત કરી રહ્યો હતો,’ ‘એમએસ ધોની, તારે ડાઈવ લગાવવી જોઈતી હતી.’

ઉલ્લેખનીય છે કે ધોની જે સમયે આઉટ થયો ત્યારે ભારતને 10 બોલમાં 25 રનની જરૂર હતી. આ બાદ યજુર્વેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમાર બેટિંગમાં આવ્યા પરંતુ ભારતીય ક્રિકેટ ફેન્સને નિરાશા જ હાથ લાગી.

નોંધનીય છે કે ભારતીય ટીમે વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજમાં સારું પ્રદર્શન કર્યું હતું. ભારતે વેસ્ટ ઈન્ડીઝ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન જેવી ટીમોને હરાવ્યા બાદ સેમીફાઈનલમાં એન્ટ્રી કરી હતી. સેમીફાઈનલમાં ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ સાથે થયો. 240 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરતા ભારતીય ટોપ ઓર્ડર સસ્તામાં પવેલિયન જતું રહ્યું. આ બાદ રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીએ સાતમી વિકેટ માટે 116 રનની પાર્ટનરશીપ કરી. પરંતુ તમામ પ્રયાસો બાદ ભારત જીતી ન શક્યું.