સુરત: દેશની પ્રથમ પ્રાઈવેટ તેજસ એક્સપ્રેસ ટ્રેન આગામી મહિને એટલે 17 જાન્યુઆરી 2020ના રોજ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. નોંધનીય છે કે, આ પહેલા લખનઉ તેજસ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જો તમારે ટીકિટ બુક કરાવવી હશે તો આઇઆરટીસી દ્વારા બુકિંગ પણ કરી શકો છો જે હાલ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

તેજસ એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2,384 રૂપિયા રહેશે તેવું જાણવા મળ્યું છે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પેસેન્જરોને નાસ્તા અને ભોજન પણ આપવામાં આવશે જેનો ભાડામાં સમાવેશ કરવામાં આવશે. દેશની પહેલી ખાનગી ટ્રેન ‘તેજસ એક્સપ્રેસ’ 17મી જાન્યુઆરીએ સુરત સ્ટેશને સવારે 9:35 વાગ્યે બે મીનિટનું સ્ટોપેજ લઈ મુંબઈ તરફ રવાના થશે.

રેલવે બોર્ડ દ્વારા તેજસ ટ્રેનને દોડાવવાના શિડ્યુઅલને મંજૂરી આપી દેવામાં આવી છે. 17મીએ ઈનોગ્રેશન ટ્રીપમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે પહેલી વાર તેજસ ટ્રેન દોડશે. તેજસને 19મી જાન્યુઆરીથી રેગ્યુલર કરવામાં આવશે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા દોડાવવામાં આવનારી તેજસમાં ખાનગી ચેકીંગ સ્ટાફ અને ટ્રેન હોસ્ટેસ પણ હશે.

રેલવે બોર્ડે 20મી ડિસેમ્બરે તેજસ એક્સપ્રેસની પરિચાલન તારીખને મંજૂરી આપતાં 19મીથી તેજસ રેગ્યુલર બેઝ પર દોડતી થશે. સુરત સ્ટેશન પર માત્ર બે મીનિટ સ્ટોપેજ કરનાર તેજસ ટ્રેન માટે કરન્ટ બુકીંગ કાઉન્ટર, રિઝર્વેશન સેન્ટર અને ચેક ઈન કાઉન્ટર માટે સેટ અપ ઉભું કરવામાં આવશે.

‘તેજસ એક્સપ્રેસ’માં કુલ 10 કોચ રહેશે જેમાં 9 એસી ચેર કાર કોચ અને 1 એક્ઝિક્યૂટિવ કોચ રહેશે. આ ટ્રેન લક્ઝુરિય સુવિધાઓ આપવામાં આવશે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પેસેન્જરોને નાસ્તા અને ભોજન પણ આપવામાં આવશે જેનો ભાડામાં સમાવેશ કરવામાં આવશે.