ચીફ સીલેક્ટર એક દિવસમાં ત્રણ વાર મળ્યા પછી ધોનીએ કેપ્ટન્સી છોડી, જાણો શું થયું મુલાકાતોમાં ?

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે નવ વર્ષ સુધી રહ્યા પછી મહેન્દ્રસિંહ ધોનીએ અચાનક જ વનડે અને ટી-20 ટીમનું સુકાની પદ છોડી દેવાની જાહેરાત કરી સૌને આંચકો આપી દીધો છે. ધોનીએ આ નિર્ણય કેમ લેવો પડ્યો તેની ચોતરફ ચર્ચા ચાલી રહી છે.
પ્રસાદે આડકતરી રીતે ધોનીને સંકેત આપી દીધો કે તે ગૌરવભેર ના હટે તો નાછૂટકે પસંદગીકારોએ તેને ખસેડીને વિરાટને કેપ્ટન બનાવવો પડશે. ધોની આ સંકેત સમજી ગયો ને તેણે તરત ખસી જવાની વાત સ્વીકારી લીધી. પોતે ગૌરવભેર નિવૃત્તિ લઈ શકે તે માટે ટીમમાં રહેવા દેવાની વિનંતી કરી જે પ્રસાદે સ્વીકારી લીધી.
વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતને 4-0થી જીત અપાવી તે પછી તેને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન ના બનાવાય તો અન્યાય થશે તેવું પણ પ્રસાદે કહ્યું.
ભારત ઘરઆંગણે વન ડે શ્રેણી હારવાની શરમજનક સ્થિતીમાં મૂકાયું છે. આ કારણસર ધોનીને કેપ્ટનપદે ચાલુ રાખવાથી વિવાદ થશે તેવી મેસેજ પ્રસાદે ધોનીને આપ્યો હોવાનું મનાય છે.
ધોની પહેલાં સવારે 11:00 વાગ્યે, ત્યારબાદ 4:00 વાગ્યે તથા પછી 5:00 વાગ્યે મળ્યો હતો.આ મુલાકાત દરમિયાન પ્રસાદે ધોનીને કેપ્ટન્સી છોડી દેવા કહ્યું હોવાનું મનાય છે. ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટમાં શાનદાર દેખાવ કરી રહી છે અને બીજી તરફ વન ડે તથા ટી 20 મેચોમાં તેનો દેખાવ અત્યંત સાધારણ રહ્યો છે.
ધોનીએ આ જાહેરાત કરી એ પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચીફ સીલેક્ટર એમ.એસ.કે. પ્રસાદને ધોની મળ્યો હતો. બંને વચ્ચે એક જ દિવસમાં ત્રણ વાર મુલાકાત થઈ હતી.
જો કે ધોનીએ કેપ્ટન્સી છોડતાં પહેલાં જે ઘટનાક્રમ બન્યો તે કંઈક અલગ જ સૂચવે છે. ધોની નાગપુરમાં ગુજરાત સામેની રણજી ટ્રોફીની સેમી ફાઈનલ મેચમાં ઝારખંડ ટીમના મેન્ટર તરીકે હાજર હતો ને એ વખતે જ તેણે આ જાહેરાત કરી સૌને આંચકો આપી દીધો.
મીડિયાના અહેવાલ પ્રમાણે ધોનીએ ઝારખંડ ટીમના તેના સાથી ખેલાડીઓને એવું કહ્યું હતું કે, આગામી ટી-20 અને વનડે વર્લ્ડકપમાં એક જ કેપ્ટન હોવો જોઈએ. જો હું ન હટું તો મામલો અટકેલો રહે એટલે મેં કેપ્ટન્સી છોડી દીધી. જેથી બોર્ડને જલ્દી નવો કેપ્ટન મળી શકે.