રાંચી: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજ્યની સત્તામાં વાપસી માટે મુખ્યમંત્રી રઘુબર દાસ અને ભારતીય જનતા પાર્ટી પોતાની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા છે. ત્યાં સૌથી ખરાબ સ્થિતિ વીજળી વ્યવસ્થા હવે સત્તા પક્ષ માટે ગળાંના હાડકાં જેવું બનતી જોવા મળી રહી છે.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ સરકારના ઝીરો પાવર કટના દાવાની પોલ ખોલી નાખી હતી. વાસ્તવિકતા સરકારના દાવાથી ખૂબ જ દૂર છે. ગુરૂવારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્નીએ વીજળી કાપને લઈને ટ્વીટ કર્યું હતું.

પોતાની ટ્વીટમાં સાક્ષીએ લખ્યું હતું કે, રાંચીના લોકો દરરોજ વીજળી કાપનો અનુભવ કરી રહ્યા છે. તેની રેન્જ ચારથી સાત કલાકની હોય છે. સાક્ષીએ સાંજે 4.37 વાગ્યે પોતાની ટ્વીટમાં પાંચ કલાકથી વીજળી ના હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, વીજળી કાપનું કોઈ કારણ નથી. હવામાન સારું છે અને કોઈ તહેવાર પણ નથી.


તેમણે આ સમસ્યાના સંબંધિત ઓથોરિટી દ્વારા ધ્યાનમાં લેવાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સરકારની તરફથી 2016માં જાહેરાત કરાઈ હતી કે, 2019થી રાજ્યના દરેક ભાગમાં 24 કલાક વીજળી હશે. સ્થિતિ એ છે કે, અન્ય ક્ષેત્રોનું તો ઠીક રાજધાની રાંચીમાં વીજળી કાપની મુશ્કેલી છે તેનાથી પ્રજા પરેશાન છે.