ગુરુવારની રાત્રે આ દરોડામાં ચાર એએસઆઈ, એક કોન્સ્ટેબલ અને એક રિટાયર્ડ ડીવાયએસપી સહિત કુલ 8 પોલીસ પીધેલા પકડાયા હતા. પાર્ટીમાં કુલ 30 લોકો હતા. જેમાંથી નશાની હાલતમાં 10 લોકો હોવાનું જાણવા મળ્યું છે. આ 10માંથી 5 પાસે પરમીટ હોવાનું કહેવાય છે. મધરાતે ક્રિષ્ના વોટર પાર્કના ગેઈટ પાસે પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો હતો. આ પાર્ટીમાં 45થી પણ વધુ લોકો હોવાનું અને કેટલાકને વાડી માર્ગેથી ભગાડી દેવાયાનું ચર્ચાઈ રહ્યું છે. ક્રિષ્ના વોટર પાર્ક ભાજપના અગ્રણી હરીભાઇ પટેલનો છે.
ક્રિષ્ના વોટરપાર્કમાં નિવૃત્ત એએસઆઇના જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની હકીકત પર શહેર પોલીસ ખાબકી તો હતી પરંતુ ત્યાં પહોંચ્યા બાદ પોલીસ પણ જાણે મૂંઝાઇ ગઇ હતી. પાર્ટીમાં 45થી વધુ લોકો હાજર હતા અને તેમાંથી 15 લોકોને પોલીસે ભગાડી મૂક્યા હતા. પોલીસે આ મામલામાં હકીકત જાહેર કરવામાં પણ ઇરાદાપૂર્વક મોડું કર્યાનું બહાર આવ્યું હતું. ક્રિષ્ના વોટરપાર્કમાં એસીપી ટંડેલની આગેવાનીમાં પોલીસ કાફલો ખાબક્યો હતો.
જેના જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી અને પોલીસે ત્યાંથી 10 લોકોને નશાખોર હાલતમાં પકડ્યા હતા તે નિવૃત્ત એએસઆઇ રાજભા વાઘેલાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, જન્મદિવસની પાર્ટીમાં જમણવાર જ હતો, દારૂની વાત ઉપજાવી કાઢી પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવ્યાનું તેમણે રટણ રટ્યું હતું. 10 શખ્સ નશાખોર હાલતમાં ઝડપાયા છતાં નિવૃત્ત એએસઆઇ કંઇક જુદો જ રાગ આલોપતા હતા.