Bajrang Punia:  નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) એ મંગળવારે મોટી કાર્યવાહી કરી અને કુસ્તીબાજ બજરંગ પુનિયાને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. આ કુસ્તીબાજે 10 માર્ચે રાષ્ટ્રીય ટીમ માટે પસંદગીની ટ્રાયલ દરમિયાન ડોપ ટેસ્ટ માટે તેના સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો હતો. નાડાએ 23 એપ્રિલના રોજ ટોક્યો ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતાને આ ગુના માટે પહેલા સસ્પેન્ડ કર્યો હતો અને ત્યારબાદ UWWએ પણ તેને સસ્પેન્ડ કરી દીધો હતો.






બજરંગે કામચલાઉ સસ્પેન્શન સામે અપીલ કરી હતી. NADA ની ડિસિપ્લિનરી ડોપિંગ પેનલ (ADDP) એ 31 મેના રોજ NADA દ્વારા નોટિસ જાહેર કરવા સુધી તેને (સસ્પેન્શન) રદ્દ કરી દીધું હતું. આ પછી NADAએ 23 જૂને રેસલરને નોટિસ મોકલી હતી. બજરંગે 11 જુલાઈના રોજ લેખિતમાં આરોપને પડકાર્યો હતો જેના પછી 20 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.


એડીડીપીએ પોતાના આદેશમાં કહ્યુ હતું કે "પેનલનું માનવું છે કે એથ્લિટ કલમ ​​10.3.1 હેઠળ પ્રતિબંધોને પાત્ર છે અને તેને ચાર વર્ષના સમયગાળા માટે ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે," સસ્પેન્શનનો અર્થ એ છે કે બજરંગ સ્પર્ધાત્મક કુસ્તીમાં પરત ફરી શકશે નહીં. આ સિવાય તે વિદેશમાં કોચિંગની નોકરી માટે અરજી કરી શકશે નહીં. આદેશમાં વધુમાં જણાવાયું છે કે, "એથ્લેટની અયોગ્યતાનો ચાર વર્ષનો સમયગાળો તે તારીખથી શરૂ થશે જે દિવસે સૂચના મોકલવામાં આવી હતી." આ વર્ષે 23 એપ્રિલે બજરંગને અધિસૂચના મોકલવામાં આવી હતી.


બજરંગ પુનિયા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા


બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પરંતુ તે ભારતીય રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહના વિરોધમાં સામેલ હતો. તેમણે દિલ્હીમાં જંતર-મંતર પર પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં તેઓ કુસ્તીબાજ વિનેશ ફોગાટ સાથે કોંગ્રેસમાં જોડાયા અને તેમને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે વિનેશ હરિયાણાના જુલાનાથી વિધાનસભા માટે ચૂંટાઈ છે.


IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી