ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ Narinder Batraએ રાજીનામું આપી દીધું છે. ગયા મહિને સીબીઆઈએ હોકી ઈન્ડિયા ફંડ સંબંધિત રૂપિયા 35 લાખના કથિત દુરુપયોગ મામલે નરિન્દર બત્રા વિરુદ્ધ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. તેના IOA સભ્યોએ તેમને IOA પ્રમુખ પદ છોડવાની માંગ કરી હતી.


નરિન્દર બત્રાએ નિવેદનમાં કહ્યું હતું કે, હાલમાં વિશ્વ હોકી વિકાસના તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ વર્ષે એક નવી સ્પર્ધા FIH હોકી નેશન્સ કપ ઉપરાંત ચાહકોને આકર્ષવા માટેની અન્ય પ્રવૃત્તિઓ આ વર્ષે શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH)ના પ્રમુખ હોવાને કારણે આ તમામ પ્રવૃત્તિઓ માટે વધુ સમયની જરૂર છે. પરિણામે મેં ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) ના પ્રમુખ પદેથી રાજીનામું આપવાનું નક્કી કર્યું છે.


સીબીઆઈએ આ નિવેદન આપ્યું છે


સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,  કેન્દ્રિય તપાસ એજન્સીને બત્રા વિરુદ્ધ ફરિયાદ મળી છે, જેના પગલે તેઓએ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. જે પ્રાથમિક દૃષ્ટિએ ગુનો સાબિત કરવાની દિશામાં એક પ્રારંભિક પગલું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફરિયાદમાં આરોપ છે કે હોકી ઈન્ડિયાના રૂ. 35 લાખનો ઉપયોગ બત્રાના અંગત લાભ માટે કરવામાં આવ્યો હતો.


બત્રા પર હોકી સાથે જોડાયેલી બાબતોમાં દખલગીરી કરવાનો પણ આરોપ છે. તાજેતરમાં ટુનામેન્ટમાં પુરુષ હોકી ટીમના પ્રદર્શન પર સવાલ ઉઠાવતા નરિન્દર બત્રાએ સ્પોર્ટ્સ ફેડરેશનને ટૂંકો સંદેશ મોકલ્યો હતો.  આ પછી બત્રા અને હોકી ઈન્ડિયા વચ્ચેના સંબંધો બગડ્યા હતા. ઓલિમ્પિયન અને 1975ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય અસલમ શેર ખાને હોકી ઈન્ડિયાની બાબતોમાં બત્રાના ઇરાદાઓ પર સવાલ ઉઠાવ્યા હતા.


બત્રા FIHના પ્રમુખ છે


નરિન્દર બત્રા વર્ષ 2017માં ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ બન્યા હતા. હાલમાં તેઓ ઈન્ટરનેશનલ હોકી ફેડરેશનના પ્રમુખ પણ છે. ગયા વર્ષે બત્રા સતત બીજી મુદત માટે FIH ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને 2024 સુધી આ પદ પર રહેશે. બત્રા હોકી ઈન્ડિયા (HI)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.