Commonwealth Games 2026: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે જેવલિન થ્રો તરફથી શાનદાર સમાચાર આવ્યા છે. લાંબા સમય બાદ કોમનવેલ્થ ગેમ્સમાં વાપસી કરી રહેલા સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ મેન્સ જેવલિન થ્રોની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ખાસ વાત એ રહી કે નીરજ એકલા નહીં, પરંતુ ભારતના ત્રણેય જેવલિન થ્રોઅર ક્વોલિફિકેશનનો પડકાર પાર કરવામાં સફળ રહ્યા. રોહિત યાદવ અને યશ વીર સિંહે પણ દમદાર પ્રદર્શન કરતા ફાઈનલની ટિકિટ હાંસલ કરી. તો બીજી તરફ પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અર્શદ નદીમ પણ આગામી રાઉન્ડમાં પહોંચી ગયો છે. ખાસ વાત એ રહી કે નીરજ ક્વોલિફિકેશન રાઉન્ડમાં અર્શદ નદીમ કરતાં વધુ દૂર ભાલો ફેંકવામાં સફળ રહ્યો.
નીરજે પાર કર્યો 79 મીટરનો માર્ક
ગ્લાસગોમાં રમાયેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ચોપરાએ પોતાના સર્વશ્રેષ્ઠ પ્રયાસમાં 79.61 મીટર દૂર ભાલો ફેંક્યો. તે 84.00 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક સુધી તો ન પહોંચી શક્યો, પરંતુ બંને ક્વોલિફિકેશન ગ્રુપના કુલ પ્રદર્શનના આધારે તેઓ પાંચમા સ્થાને રહીને 12 ખેલાડીઓની ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો. આ મુકાબલામાં હવામાન ખેલાડીઓ માટે મોટો પડકાર બન્યું. ગ્લાસગોની ઠંડી અને વાદળછાયા વાતાવરણના કારણે કોઈ પણ એથલીટ 84 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્કને સ્પર્શી શક્યો નહીં. આવી સ્થિતિમાં ફાઈનલિસ્ટનો નિર્ણય બંને ગ્રુપના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના આધારે કરવામાં આવ્યો.
આ પણ વાંચો...Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ત્રણેય ભારતીય એથલીટે ફાઈનલમાં બનાવી જગ્યા
ભારત માટે સૌથી મોટી ખુશી એ રહી કે તેના ત્રણેય ખેલાડીઓ ફાઈનલમાં પહોંચી ગયા. રોહિત યાદવે 78.37 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો કરીને નવમા સ્થાને રહીને ક્વોલિફાઈ કર્યું, જ્યારે યશ વીર સિંહે 78.36 મીટરના પ્રયાસ સાથે 10મું સ્થાન મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. આનાથી હવે ભારત પાસે મેડલ જીતવાના ત્રણ મજબૂત દાવેદાર હશે.
રૂમેશ થરંગાએ કર્યું ટોપ
ક્વોલિફિકેશન રાઉન્ડમાં શ્રીલંકાના રૂમેશ થરંગા પાથિરાજે સૌથી આગળ રહ્યો. તેમણે 82.84 મીટરનો થ્રો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું. તો બીજી તરફ, પાકિસ્તાનના અર્શદ નદીમે શરૂઆતી પ્રયાસ બાદ અંતરમાં સુધારો ન કર્યો, પરંતુ 78.63 મીટર સાથે સાતમા સ્થાને રહીને ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો. હવે સૌની નજર ફાઈનલ મુકાબલા પર હશે, જ્યાં નીરજ ચોપરા ફરી એકવાર મોટા મંચ પર ગોલ્ડ મેડલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતના ત્રણ ખેલાડીઓ ફાઈનલમાં પહોંચવાથી દેશની મેડલની આશાઓ પણ ઘણી વધી ગઈ છે.
