Neeraj Chopra on Missing Gold Medal: વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં (World Athletics Championships) નીરજ ચોપડા (Neeraj Chopra) ઈતિહાસ રચી ચુક્યો છે. નીરજે 88.13 મીટર જેવલીન થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો છે. તો આ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં મેડલ જીતનાર તે બીજો ભારતીય ખેલાડી બની ચુક્યો છે. આ ઐતિહાસિક મેડલને જીત્યા બાદ હવે નીરજ ચોપડાનું નિવેદન સામે આવ્યું છે. નીરજે આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ ચૂકી જવાના કારણનો ખુલાસો કર્યો છે.
નીરજે કહ્યું છે કે, "પરિસ્થિતિ ઘણી સારી નહોતી. પવનની ગતિ ઘણી તેજ હતી. પરંતુ મને વિશ્વાસ હતો કે હું સારું પ્રદર્શન કરીશ. હું પરિણામથી સંતુષ્ટ છું. હું ખુશ છું કે, મારા દેશ માટે મેડલ જીતવા માટે સફળ રહ્યો છું."
નીરજે આગળ કહ્યું કે, હું એ વાતને લઈ બિલકુલ દબાવમાં નહોતો કે હું એક ઓલંપિક ચેમ્પિયન છું અને મારે અહિંયા સારું પ્રદર્શન કરવાનું છે. ત્રીજા થ્રો બાદ મને ખુદ ઉપર વિશ્વાસ હતો. મેં વાપસી કરી અને સિલ્વર મેડલ જીત્યો. આગલી વખતે હું મારા મેડલનો રંગ બદલવાનો પ્રયત્ન કરીશ.
અમેરિકાના યૂજીનમાં ચાલી રહેલા વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રો ઈવેન્ડમાં નીરજ ચોપડા બીજા સ્થાન પર રહ્યો હતો. પહેલા નંબર પર એન્ડરસન પીટર્સે કબ્જો કર્યો છે. પીટર્સે તેના 6 પ્રયત્નમાંથી 3 પ્રયત્નોમાં 90 મીટરથી દૂર ભાલો ફેંક્યો હતો. જ્યારે નીરજેનો બેસ્ટ થ્રો 88.13 મીટર રહ્યો હતો. જો કે, આમ છતાં નીરજ ઈતિહાસ રચવામાં સફળ રહ્યો હતો.
નીરજની પહેલાં આ ચેમ્પિયનશીપમાં ફક્ત અંજૂ બેબી જ્યોર્જે ભારત માટે મેડલ જીત્યો હતો. અંજૂએ 19 વર્ષ પહેલાં લાંબી કૂદમાં મેડલ જીત્યો હતો. ભારતીય પુરુષ ખેલાડીઓમાં નીરજ ચોપડા પ્રથમ એથલીટ છે જેણે આ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો છે.