નવી દિલ્હી: ન્યુઝીલેન્ડનો એક ફાસ્ટ બોલર જેની પાસે ગતિ અને સ્વિંગ બન્ને છે. આ બોલર સામે બેટ્સમનોએ પીચ પર ટકી રહેવા માટે સંઘર્ષ કરવો પડે છે. તે બોલર એન્ડ્રયૂ હેઝેલ્ડિનનું કેરિયર અને જીવન આજે દાવ પર છે. આ 26 વર્ષીય બોલર કેન્સરગ્રસ્ત થઈ ગયો છે. એન્ડ્રયૂ હેઝેલ્ડિન લિમ્ફોમાંથી પીડિત છે જે એક પ્રકારનો કેન્સર છે. આ ફાસ્ટ બોલરને સપ્ટેમ્બર 2020માં આ બિમારી અંગે ખબર પડી હતી.



જો કે, રાહતની વાત એ છે કે, આ બિમારી પ્રાથમિક અવસ્થામાં છે અને એન્ડ્ર્યૂના સંપૂર્ણ સ્વસ્થ થવાની સંભાવનામાં વધારો જોવા મળી રહ્યો છે. અને આશા છે કે, તે આગામી સેશનમાં ઘરેલુ ક્રિકેટ રમી શકશે. ઉલ્લેખનીય છે કે, એન્ડ્ર્યૂ કેન્ટરબરી ટીમ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમે છે. તેણે આ ટીમમાં માર્ચ 2018માં ડેબ્યૂ કર્યું હતું.

ડાબા હાથના આ ફાસ્ટ બોલરે 15 પ્રથમ શ્રેણીની મેચમાં 35 વિકેટ લીધી છે. તેનો સર્વશ્રેષ્ઠ બોલિંગનો આંકડો 5/33 છે. તે સિવાય 16 લિસ્ટ-એ ગેમ્સમાં 21 વિકેટ લીધી છે. તેણે કેન્ટરબરી કિંગ્સ ટીમ માટે એકમાત્ર ટી20 મેચ રમી છે.