નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના આક્રમક બેટ્સમેન ડેવોન કોનવેએ 18 બોલમાં 78 રન ઝુડી નાંખી પોતાની ટીમને એક તરફી જીત અપાવી હતી. ક્રિકેટના મેદાન પર તાબડતોડ ઇનિંગ તો ઘણી જોવા મળી છે, પરંતુ આટલા ઝડપી ઇનિંગ ભાગ્યે જ જોવા મળશે. સોમવારે ન્યૂઝીલેન્ડની ઘરેલુ ટી20 ટૂર્નામેન્ટ સુપર સ્મેસમાં કંઈક આવું જ જોવા મળ્યું. સુપર સ્મેશમાં ઓટેગો અને વેલિંગ્ટનની વચ્ચે રમાયેલ મેચમાં ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવેએ માત્ર 49 બોલમાં અણનમ 101 રન બનાવ્યા હતા.


ઓટૈગોએ આપેલા ટાર્ગેટનો પીછો કરતાં કૉનવે અને તેના સાથીદાર માઇકલ પોલાર્ડે શરૂઆતથી જ આક્રમક બેટિંગ ચાલુ કરી. બંનેએ કોઈપણ નુકસાન વગર ટીમને 10 વિકેટથી જીત અપાવી. આ દરમિયાન પોલાર્ડે અણનમ 63 રન બનાવ્યા, તો કૉનવેએ 206.12ની સ્ટ્રાઇકરેટથી અણનમ સદી ફટકારી.

કૉનવેની આ ઇનિંગે ભારતીય બોલર્સની ચિંતા વધારી દીધી છે, કારણ કે ભારતીય ટીમને આ મહિને 5 ટી-20 મેચ, 3 વન ડે અને બે ટેસ્ટ મેચોની સીરીઝ માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે અને કૉનવેનું અત્યારનું ટી-20 ફૉર્મ જોતા ન્યૂઝીલેન્ડ ટીમ મેનેજમેન્ટ તેને ભારતીય બોલિંગ એટેક સામે ઉતારી શકે છે.

કૉનવેએ છેલ્લી 8 ટી-20 ઇનિંગમાં એક અણનમ સદી અને 3 અડધી સદી ફટકારી છે. તેણે 61*, 89, 78* અને 101 રનની ઇનિંગ રમી છે. ટીમ ઇન્ડિયા 24 જાન્યુઆરીનાં ઑકલેન્ડથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. શરૂઆતની બે ટી-20 મેચ ઑકલેન્ડમાં, ત્રીજી હેમિલ્ટનમાં, ચોથી વેલિંગ્ટનમાં અને પાંચમી ટી-20 મેચ માઉન્ટ મંગુનુઈમાં રમાશે.