વેલિંગ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો કાલે શુક્રવારે રમાશે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત આ મેચ ખૂબ જ રોમાંચક હશે. શુક્રવારે ભારતના સમય અનુસાર મેચ સવારે 4 વાગ્યે શરૂ થશે. ટોસ સાડા ત્રણ વાગ્યે થશે.


વેલિંગ્ટનના બેસિન રિઝર્વમાં ઝડપી પવન સાથે સામાન્ય વરસાદ થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર શુક્રવારે વેલિંગ્ટનમાં 70 ટકા વરસાદ થવાની શક્યતા છે. જ્યારે શનિવારે પણ સામાન્ય વરસાદ થઈ શકે છે.

ફેલ્ટે પીચ પર શરૂઆતના કેટલાક કલાકો સુધી ઝડપી બોલરોને ઘણી મદદ મળી શકે છે. વેલિંગ્ટનની પીચ શરૂઆતના દિવસોમાં બેટ્સમેનો માટે થોડી મુશ્કેલી ઉભી કરી શકે છે પરંતુ બાદમાં બેટ્સમેન માટે મદદગાર થઈ જાય છે.

મેદાનમાં બીજી બેટિંગ કરનારી ટીમને હંમેશા ફાયદો થતો રહ્યો છે. આંકડાની વાત કરવામાં આવે તો અહીં કુલ 52 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 10 અને બીજી બેટિંગ કરનારી ટીમે 22 મુકાબલામાં જીત મેળવી છે. આ મેદાનમાં શરૂઆતના દિવસોમાં બોલરોને સારી મદદ મળે છે, જ્યારે અંતિમ દિવસોમાં પીચ બેટ્સમેન માટે અનુકુળ થઈ જાય છે.