નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી અને તેના ભાઈ હસીદ અહમદ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. શમી સામે તેની પત્નીએ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે 2018માં શમીની પત્ની હસીન જહાંએ તેના પર મારપીટ, હત્યાની કોશિશ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા અને આ અંતર્ગત તેણે શમી સામે કેસ દાખલ કરાવ્યો હતો. ભારતીય બોલરને સરેન્ડર કરવા અને જામીન માટે અરજી કરવા કોર્ટે 15 દિવસનો સમય આપ્યો છે. જોકે. આ મામલે બીસીસીઆઇએ કહ્યુ કે જ્યાં સુધી ચાર્જશીટ નહી જોઇએ ત્યાં સુધી મોહમ્મદ શમી વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે.


બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું કે, હાલમાં આ મામલે કોઇ કાર્યવાહી કરવી ઉતાવળ ગણાશે. એકવખત ચાર્જશીટ જોયા બાદ અમે કોઇ નિર્ણય કરી શકીશું. અમે સમજીએ છીએ કે ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું છે પરંતુ અમને નથી લાગતું કે અમારે આ મામલે દખલગીરી કરવાની જરૂર છે. 2018માં સીઓએએ કોન્ટ્રાક્ટ રોકવાની કાર્યવાહી કરી હતી શું આ વખતે પણ એવી નીતિ અપનાવાશે તેવા સવાલ પર અધિકારીએ કહ્યું કે એ સમયે તેની પત્નીએ મેચ ફિક્સિંગના આરોપ લગાવ્યા હતા. જેથી નિર્ણય લેવાયો હતો કે ભ્રષ્ટાચાર વિરોધી એકમના તત્કાલિન અધ્યક્ષ નીરજ કુમારને આ મામલાને જોવાનું યોગ્ય લાગ્યુ હતું. નીરજે પોતાની તપાસમાં શમી નિર્દોષ હોવાનું જાણવા મળ્યુ હતુ. મને આશા છે કે શમી એક વખત જ્યારે દેશ પાછો આવશે તો કે જરૂરી તમામ પગલા ભરશે. નોંધનીય છે કે શમી હાલમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ રમી રહ્યો છે.