નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. 131 કરોડ ખર્ચે બનાવેલું ગુજરાત ભવન અનેક સુવિધાઓથી સજ્જ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મંત્રીઓ સમારોહમાં હાજર રહ્યા હતા. ગુજરાત ભવન સાત માળનુ છે તેનું નામ ગરવી ગુજરાત ભવન રાખવામાં આવ્યુ છે.


લોકોને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, આજે કેટલાક ચહેરાઓ 12-15 વર્ષ બાદ જોઇ રહ્યો છું. દિલ્હીમાં આ પ્રકારની સુવિધા હોવી ખૂબ જરૂરી છે. વડાપ્રધાન મોદીએ ગુજરાતના વિકાસદરની પ્રશંસા કરતા કહ્યું કે, ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ ઝડપથી વિકાસ કર્યો છે. ગુજરાતનો વિકાસદર 10 ટકાથી વધુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ દુનિયામાં ગુજરાતની અલગ ઓળખ ઉભી કરી છે. ગુજરાતે વિકાસ અને પરિશ્રમને હંમેશા મહત્વ આપ્યું છે.

ગુજરાત ભવન 25 બી અકબર રોડ પર બનાવવામાં આવ્યું છે. બે વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિલાન્યાસ કર્યો હતો અને આજે પીએમ મોદી લોકાર્પણ કર્યું. આ ભવનની અંદર 79 રૂમની સાથે VIP લોન્જ, પબ્લિક લોન્જ અને મલ્ટીપર્પઝ હોલ બનાવવામાં આવ્યા છે. આ આધુનિક ભવનમાં ઈકો-ફ્રેન્ડલી સુવિધાઓ ઉપલબ્ધ હશે.

સાત હજાર વર્ગ મીટર ક્ષેત્રમાં બનેલા આ ભવનના નિર્માણ માટે 131 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પરંતુ તેનાથી ઓછા ખર્ચમાં જ આનુ નિર્માણ પૂર્ણ થઈ ગયુ છે. આ સાત માળની ઈમારતની ડિઝાઈન ઘણી સુંદર બનાવાઈ છે. આ ભવનમા હરિયાળી અને વોટર હાર્વેસ્ટિંગનું પૂરુ ધ્યાન રાખવામાં આવ્યુ છે.