ચેન્નઇઃ પૂર્વ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર ગ્લેમ મેકગ્રા ત્રણ વખત વર્લ્ડકપ જીતનારી ટીમનો હિસ્સો રહ્યો છે. તે હાલમાં ભારતમાં એમઆરએફ પેસ એકેડમીના નિર્દેશક છે. મેકગ્રાએ ભારતીય ટીમના ઝડપી બોલર આક્રમણને લઇને વાતચીત કરી હતી. ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર વાત કરતા મેકગ્રાએ કહ્યું હતું કે, તે આઇપીએલમાં સારુ  પ્રદર્શન કરશે. તે છેલ્લા 12 મહિનાથી રમતથી દૂર છે. તેઓ કેટલીક ટી-20 સીરિઝમાં રમ્યા છે પરંતુ આઇપીએલમાં રમવાને લઇને ઉત્સાહિત હશે. તેઓ સાબિત કરવા માંગશે કે તેઓ રમત પ્રત્યે પ્રતિબદ્ધ છે.

વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાના વિજયને લઇને મેકગ્રાએ કહ્યું કે, ભારત સામેની શ્રેણી જીતવાથી ઓસ્ટ્રેલિયન ટીમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ભારતીય બોલિંગ આક્રમણ શાનદાર રહ્યું છે. હું બુમરાહનો મોટો પ્રશંસક છું. તે પોતાની રમતને અલગ સ્તર પર લઇ ગયો છે. મારી નજરમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ ભારતના મિશન વર્લ્ડકપમાં મહત્વનો હિસ્સો છે. તેઓ ખૂબ સમજદારીપૂર્વક બોલિંગ કરે છે. બુમરાહ અંતિમ ઓવરોમાં જે ઝડપથી યોર્કર ફેંકે છે તે શાનદાર છે. કોહલી વિશે વાત કરતા મેકગ્રાએ કહ્યું કે, કોહલી ખૂબ આક્રમક કેપ્ટન અને ખેલાડી છે.