ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડના સીનિયર બેટ્સમેન રોસ ટેલરે બાંગ્લાદેશ સામે 200 રનની ઈનિંગ રમવાની સાથે સ્વ. માર્ટિન ક્રોની સદીઓની સંખ્યાને વટાવી દીધી હતી. જે બાદ ટેલરે તેના મેન્ટર માટે પ્રાર્થના કરી અને માફી માંગી. ટેલરની આ 18મી સદી હતી. જેની સાથે તેણે ક્રોની 17 સદીના આંકડાને પાછળ રાખી દીધો છે.

રોસ ટેલરના કરિયરની આ બીજી બેવડી સદી છે. તેણે માર્ટિન ક્રોની ભવિષ્યવાણી સાબિત કરી હતી. ક્રોએ કહ્યું હતું કે, ટેલર એક દિવસ તેને સદીની સંખ્યાના મામલે પાછળ રાખી દેશે. કેન્સરના કારણે ક્રોનું 3 માર્ચ, 2016ના રોજ નિધન થયું હતું. ટેલરે 17મી ટેસ્ટ સદી 2017માં ફટકારી હતી. જે બાદ સદી ફટકારવા તેણે આશરે 20 મહિના જેટલો સમય લાગ્યો હતો. ટેલરે કહ્યું કે, મેં ક્રોને કહ્યું કે મને માફ કરી દો. મેં અહીંયા પહોંચવામાં આટલો સમય લઇ લીધો.

ટેલરના કહેવા મુજબ, જ્યારે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ ત્યારે 17 સદી બહુ કહેવાતી હતી. અહીંયા પહોંચવું રાહત ભર્યું રહ્યું. આ દરમિયાન ટેલરે બેસિન રિઝર્વમાં સર્વાધિક રન બનાવવાના ક્રોના રેકોર્ડને પણ તોડ્યો હતો.