Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ જલવો બતાવવાનો શરૂ કર્યો છે, ભારતે શૂટિંગમાં એટલે કે મનુ ભાકરે બે બ્રૉન્ઝ જીતીને ઇતિહાસ રચી દીધો છે. સળંગ બે દિવસે બે બ્રૉન્ઝ જીત્યા બાદ ભારતીય ફેન્સ મનુ ભાકર પર અભિનંદન વરસાદ કરી રહ્યાં છે. અહીં અમે તમને શૂટિંગ માટેની બંદૂકના નિયમો અને ખેલાડીઓને તેને ખરીદવાનો પ્રૉસેસ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જાણો...
મનુ ભાકરે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો ત્યારે તેની બંદૂકમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પરંતુ 2024 પેરિસ ઓલિમ્પિકમાં તેણે ભારતને પહેલો મેડલ અપાવીને ઈતિહાસ રચ્યો છે. છેલ્લા બે દાયકામાં ભારતીય શૂટરોએ આખી દુનિયામાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે, તેથી સામાન્ય લોકોમાં સવાલ થવો સ્વાભાવિક છે કે શું આ ખેલાડીઓની બંદૂકો અસલી હોય છે. જો બંદૂક અસલી છે તો પછી તેમને લાઇસન્સ કોણ આપે છે? આવો જાણીએ ઓલિમ્પિકમાં વપરાતી બંદૂકની ખાસિયત શું છે?
ક્યાંથી મળે છે બંદૂક ?
સામાન્ય રીતે, ઓલિમ્પિકમાં ભાગ લેનારા રમતવીરોને તેમના દેશની રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અથવા રાષ્ટ્રીય ફેડરેશન દ્વારા બંદૂકો આપવામાં આવે છે. એટલે કે, જો કોઈ ભારતીય એથ્લેટ ઓલિમ્પિક અથવા કોઈપણ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં ભાગ લે છે, તો નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) અથવા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) તેને બંદૂક આપશે, પરંતુ ક્યારેક એથ્લેટ્સ તેમની પસંદગીની બંદૂક સાથે રમવાનું પસંદ કરે છે, જ્યારે ક્યારેક પ્રાયોજકો પણ તેમને બંદૂક આપે છે.
કઇ રીતે મળે છે લાયસન્સ ?
ઓલિમ્પિકમાં ભાગ લેનારા શૂટર્સે પણ લાયસન્સ મેળવવું પડે છે. બ્રિટિશ સરકાર દ્વારા 1878માં લાવવામાં આવેલા આર્મ્સ એક્ટ હેઠળ એથ્લેટ્સે લાયસન્સ મેળવવું પડે છે. આ કારણે ભારતનો કોઈ પણ નાગરિક સરકારની પરવાનગી વગર બંદૂક ખરીદી કે વેચી શકશે નહીં. તમને જણાવી દઈએ કે એથ્લેટ્સને પણ સામાન્ય લોકો કરતાં બંદૂક ખરીદવા માટે વધુ છૂટ મળે છે.
કેટલી બંદૂક અને ગોળીઓ ખરીદી શકે છે ?
નિયમો અનુસાર, લોકપ્રિય શૂટરને તેની સાથે 12 બંદૂકો રાખવાની છૂટ છે, પરંતુ કેટલાક શૂટિંગ રમતવીરોને 8-10 બંદૂકો રાખવાની છૂટ છે. બૂલેટ (ગોળીઓ)ની વાત કરીએ તો આ ખેલાડીઓ .22 એલઆર રાઈફલ અથવા પિસ્તોલ માટે 5 હજાર બૂલેટ રાખી શકે છે. બીજી તરફ પિસ્તોલ/રિવૉલ્વરમાં 2 હજાર ગોળીઓ રાખવાની છૂટ છે.
શું હોય છે એક બંદૂકની કિંમત ?
મનુ ભાકરે જે બંદૂક વડે 2024 પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો તે મૉરિની કંપનીની છે. મોરિની કંપનીના CM 162EI મૉડલની કિંમત બજારમાં 166,900 રૂપિયા છે. આ .177 એર ગન છે, જેની કિંમત કંપનીના આધારે વધુ કે ઓછી હોઈ શકે છે. આ બંદૂક ખરીદવા માટેનું પેપરવર્ક ઘણું જટિલ છે.