Neeraj Chopra Silver Medal in Paris Olympics 2024: નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકની જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીતીને સતત બે ઓલિમ્પિક પદક જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફીલ્ડ ખેલાડી બન્યા છે. જોકે આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પાકિસ્તાનના અરશદ નદીમે જીતીને ઓલિમ્પિકમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પરિણામ બાદ નીરજ ચોપરાની માતાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે જેણે ગોલ્ડ મેડલ જીત્યો છે તે પણ આપણો છોકરો છે.


પાનીપતમાં રહેતા નીરજ ચોપરાની માતા સરોજ દેવીએ કહ્યું, "અમે ખૂબ ખુશ છીએ, અમારા માટે સિલ્વર પણ સોના જેટલું જ છે. જેણે ગોલ્ડ જીત્યો છે તે પણ આપણો છોકરો છે. મહેનત કરીને જીત્યો છે. દરેક ખેલાડીનો દિવસ હોય છે. તે (નીરજ) ઈજાગ્રસ્ત થયો હતો, તેથી અમે તેના પ્રદર્શનથી ખુશ છીએ. જ્યારે તે (નીરજ ચોપરા) આવશે ત્યારે હું તેનું મનપસંદ ભોજન બનાવીશ."


આ ઉપરાંત સિલ્વર મેડલ મળવા પર નીરજ ચોપરાના પિતા સતીશ કુમારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે દબાણ નથી કરી શકતા. દરેક ખેલાડીનો દિવસ હોય છે, આજે પાકિસ્તાની એથ્લીટ અરશદ નદીમનો દિવસ હતો, અરશદ ગોલ્ડ જીતી શક્યા. તેમણે કહ્યું કે અમે બીજા ઓલિમ્પિકમાં જેવલિનમાં મેડલ જીતી શક્યા તે ખૂબ ખુશીની વાત છે, અમે અન્ય દેશોને ટક્કર આપી રહ્યા છીએ.






જણાવી દઈએ કે 26 વર્ષીય નીરજ ચોપરાનો બીજો થ્રો જ તેમનો એકમાત્ર માન્ય થ્રો રહ્યો જેમાં તેમણે 89.45 મીટર ફેંક્યો જે આ સિઝનનો તેમનો શ્રેષ્ઠ થ્રો હતો. આ સિવાય તેમના પાંચેય પ્રયાસો નિષ્ફળ રહ્યા. આ પહેલા તેમણે ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.


જ્યારે આ સ્પર્ધામાં પાકિસ્તાનના એથ્લીટ અરશદ નદીમે નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવતા બીજો થ્રો જ 92.97 મીટરનો ફેંક્યો. તેમણે છઠ્ઠો અને અંતિમ થ્રો 91.79 મીટરનો ફેંક્યો. પાકિસ્તાનનો 1992 બાર્સેલોના ઓલિમ્પિક પછી આ પ્રથમ ઓલિમ્પિક મેડલ છે. આ પહેલા દસ મુકાબલાઓમાં નીરજ ચોપરાએ હંમેશા અરશદ નદીમને હરાવ્યો હતો.