Paris Olympics Day 3 Schedule: પેરિસ ઓલિમ્પિક ગેમ્સના બીજા દિવસે રવિવારે મહિલા શૂટર મનુ ભાકરે ભારતનું મેડલ ખાતું ખોલ્યું હતું. હવે ગેમ્સના ત્રીજા દિવસે સોમવારે રમિતા જિંદાલ અને અર્જુન બાબુતા પાસેથી મેડલની આશા રહેશે. ભારતીય પુરૂષ હૉકી ટીમ ગ્રુપ સ્ટેજની બીજી મેચમાં આર્જેન્ટિના સામે ટકરાશે, જ્યારે બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ખેલાડીઓ પણ તેમના અભિયાનને વેગ આપવા પર નજર રાખશે. મહિલા તીરંદાજી ટીમની સફર ભલે ક્વાર્ટર ફાઇનલમાં સમાપ્ત થઈ ગઈ હોય, પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં પડકાર આપવા ઉતરનાર પુરૂષ તિરંદાજી ટીમ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.
હૉકી ટીમને આર્જેન્ટિના સામે પડકારનો સામનો કરવો પડશે
જીત સાથે શરૂઆત કરનાર ભારતીય ટીમની નજર પેરિસ ઓલિમ્પિક્સ મેન્સ હોકી ઈવેન્ટની બીજી મેચમાં રિયો ઓલિમ્પિક 2016ની ચેમ્પિયન આર્જેન્ટિના સામે આ ગતિ જાળવી રાખવા પર રહેશે. આખરી વ્હિસલની દોઢ મિનિટ પહેલા પેનલ્ટી સ્ટ્રોક પર કેપ્ટન હરમનપ્રીત સિંહના ગોલથી ભારતે શનિવારે રોમાંચક પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. જોકે, આ મેચમાં ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારત અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યું ન હતું અને નવ પેનલ્ટી કોર્નર ચૂકી ગયું હતું.
રમિતા-બાબુતા પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા
રમિતાએ પાંચમું સ્થાન મેળવીને મહિલાઓની 10 મીટર એર રાઇફલની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું, જ્યારે બાબુતાએ ક્વોલિફિકેશનમાં સાતમું સ્થાન મેળવીને પુરુષોની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. હવે ત્રીજા દિવસે આ બંને શૂટર્સ મેડલ જીતવાની આશા રાખશે.
પેરિસ ઓલિમ્પિકના ત્રીજા દિવસે સોમવારે ભારતનું શેડ્યૂલ નીચે મુજબ છે
બેડમિન્ટન
- મેન્સ ડબલ્સ (ગ્રુપ સ્ટેજ): સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી વિરુદ્ધ માર્ક લેમ્સફસ અને માર્વિન સીડેલ (બપોરે 12 વાગ્યાથી)
- વિમેન્સ ડબલ્સ (ગ્રુપ સ્ટેજ): અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટો વિરુદ્ધ નામી માત્સુયામા અને ચિહારુ શિદા (બપોરે 12:50 પછી)
- મેન્સ સિંગલ્સ (ગ્રુપ સ્ટેજ): લક્ષ્ય સેન વિરુદ્ધ જુલિયન કેરેજી (સાંજે 5:30 વાગ્યાથી)
શૂટિંગ
- 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ક્વોલિફિકેશન: મનુ ભાકર અને સરબજોત સિંહ, રિધમ સાંગવાન અને અર્જુન સિંહ ચીમા (બપોરે 12:45 વાગ્યાથી)
- મેન્સ ટ્રેપ ક્વોલિફિકેશન: પૃથ્વીરાજ તોંડઇમાન (બપોરે 1:00 વાગ્યાથી)
- 10 મીટર એર રાઈફલ વિમેન્સ ફાઈનલ: રમિતા જિંદાલ (બપોરે 1:00 વાગ્યા પછી)
- 10 મીટર એર રાઈફલ મેન્સ ફાઈનલ: અર્જુન બાબુતા (બપોરે 3:30 વાગ્યા પછી)
હોકી
- મેન્સ પુલ બી મેચ: ભારત વિરુદ્ધ અર્જેન્ટીના (સાંજે 4:15 વાગ્યાથી)
તિરંદાજી
- મેન્સ ટીમ ક્વાર્ટર ફાઈનલ: તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા, પ્રવીણ જાધવ (સાંજે 6:30 વાગ્યાથી)
ટેબલ ટેનિસ
- મહિલા સિંગલ્સ (રાઉન્ડ ઓફ 32): શ્રીજા અકુલા વિરુદ્ધ જિયાન ઝેંગ (રાત્રે 11:30 વાગ્યાથી)