ટોક્યોઃ ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics) ભારતીય ભાલા ફેંક એથ્લિટ સુમિત અન્ટીલે શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો હતો. તેમણે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. પ્રથમવાર પેરાલિમ્પિક રમતોમાં સુમિતે જેવલિન થ્રોના F-64 ઇવેન્ટમાં પોતાના બીજા પ્રયાસમાં 68.08 મીટરનો થ્રો કર્યો હતો. બાદમા તેમણે પાંચમા પ્રયાસમાં 68.55 મીટરનો થ્રો સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સુમિતે પોતાના પ્રથમ પ્રયાસમાં 66.95 મીટર દૂર ભાલો ફેંક્યો હતો જે પણ એક રેકોર્ડ છે. બીજા પ્રયાસમાં તેમાં સુધારો કરી 68.08 મીટર ભાલો ફેંક્યો છે. ત્રીજા પ્રયાસમાં તેમણે 65.27 મીટર, ચોથા પ્રયાસમાં 66.71 અને પાંચમા પ્રયાસમાં સુમિતે 68.55 મીટર ભાલો ફેંક્યો હતો.
હરિયાણાના સોનીપતના રહેવાસી સુમિત અન્ટીલનો જન્મ સાત જૂન 1998માં થયો હતો. સુમિત જ્યારે સાત વર્ષનો હતો ત્યારે એરફોર્સમાં તૈનાત તેમના પિતા રામકુમારનું બીમારીના કારણે નિધન થયું. પિતાના નિધન બાદ માતા નિર્મલાએ તમામ દુખ સહન કરીને ચાર બાળકોને ઉછેર્યા હતા. નિર્મલા દેવીના મતે સુમિત જ્યારે 12મા ધોરણમાં કોમર્સનું ટ્યુશન લેતો હતો. પાંચ જાન્યુઆરી 2015ની સાંજે તે ટ્યુશન લઇને બાઇક પર પાછો ફરી રહ્યો હતો ત્યારે સિમેન્ટ ભરેલી ટ્રેક્ટરે સુમિતને ટક્કર મારી હતી જેમાં સુમિતે એક પગ ગુમાવવો પડ્યો હતો.
દુર્ઘટના બાદ સુમિત ક્યારેય નિરાશ થયો હતો. સગાસંબંધીઓ અને મિત્રોની પ્રેરણાથી સુમિતે રમતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને સાઇ સેન્ટર પહોંચ્યો. જ્યાં એશિયન મેડલ વિજેતા કોચ વીરેન્દ્ર ધનખડે સુમિતનું માર્ગદર્શન કર્યું. વિરેન્દ્ર સુમિતને લઇને દિલ્હી પહોંચ્યા. અહી કોચ નવલ સિંહ પાસે ભાલા ફેંકની ટ્રેનિંગ મેળવી. સુમિતે વર્ષ 2018માં એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લીધો અને પાંચમું સ્થાન હાંસલ કર્યું હતું. વર્ષ 2019માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો. આ જ વર્ષે નેશનલ ગેમમાં સુમિતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.