Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક્સ 2024નો બીજો દિવસ ભારત માટે ખુશી અને નિરાશા બંને લઈને આવ્યો હતો. એક તરફ મનુ ભાકરે ઈતિહાસ રચીને ભારતને પહેલો મેડલ અપાવ્યો તો બીજી તરફ ટેબલ ટેનિસમાં નિરાશા મળી હતી. ભારતના ધ્વજવાહક શરથ કમલ મેન્સ સિંગલ્સની પ્રથમ મેચમાં હારી ગયો હતો, જ્યારે બીજી તરફ જીત સાથે શરૂઆત કરનાર ગુજરાતના ટેબલ ટેનિસના ખેલાડી હરમીત દેસાઈ પણ મેન્સ સિંગલ્સમાં તેની બીજી મેચ ફ્રાન્સના 17 વર્ષીય લેબ્રુન ફેલિક્સ સામે હારીને બહાર થઈ ગયો હતો.






ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈની પેરિસ ઓલિમ્પિકમાં સિંગલ્સની સફર સમાપ્ત થઈ ગઈ છે. મેન્સ સિંગલ્સની તેની બીજી મેચમાં તેને 0-4થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. યજમાન દેશના 17 વર્ષીય ખેલાડીએ તેને મેચમાં માત્ર 28 મિનિટમાં હરાવ્યો હતો. પોતાની પ્રથમ મેચમાં 31 વર્ષીય હરમીતે જોર્ડનના ઝૈદ અબો યમનને 30 મિનિટમાં 4-0થી હરાવીને પેરિસ ઓલિમ્પિકની શરૂઆત કરી હતી.






હરમીતને 17 વર્ષના ખેલાડીએ હરાવ્યો હતો


રાઉન્ડ ઓફ 64માં હરમીતને શાનદાર જીત મેળવી હતી પરંતુ બીજા રાઉન્ડમાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નહોતું. માત્ર 28 મિનિટમાં જ ફ્રાન્સના 17 વર્ષના લેબ્રુન ફેલિક્સે ભારતીય ખેલાડીને હરાવ્યો હતો. ફેલિક્સે હરમીત દેસાઇને 11-8, 11-8, 11-6 અને 11-8થી હરાવ્યો હતો.


જ્યારે ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલાએ જોરદાર પ્રદર્શન કરીને તેની પ્રથમ મેચ જીતી હતી. મનિકા બત્રા પણ તેની પ્રથમ મેચ જીતવામાં સફળ રહી હતી, પરંતુ દિગ્ગજ પુરુષ ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલ પ્રથમ રાઉન્ડમાં હાર્યા બાદ બહાર થઈ ગયા હતા.


તિરંદાજીમાં પણ ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. દીપિકા કુમારા, અંજલિ ભગત અને ભજન કૌરની ત્રિપુટી ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. સુમિત નાગલ પણ ટેનિસમાં પોતાની મેચ જીતી શક્યો નહોતો. સેલિંગમાં બલરાજ પંવારે રિપેચેજમાં જોરદાર પ્રદર્શન કરીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.