Paris Olympics 2024: ભારતના બલરાજ પનવારે પેરિસ ઓલિમ્પિક 2024માં રોઈંગની પુરુષોની સિંગલ સ્કલ્સ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આજે રેપેચેજ 2 રેસમાં ભાગ લીધો હતો અને 7:12.41 મિનિટના સમય સાથે બીજા સ્થાને રહ્યો હતો.






બલરાજ પનવારનું શાનદાર પ્રદર્શન


બલરાજ રેપેચેજ 2 રેસમાં પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા. તેનો સમય 7:12.41 મિનિટનો રહ્યો હતો જે તેને ક્વાર્ટર ફાઇનલમાં લઈ જવા માટે પૂરતો હતો. આ રેસમાં પ્રથમ સ્થાન પર મોનાકોના ક્યુ એન્ટોગનેલ્લી રહ્યો હતો તેણે 7:10.00 મિનિટમાં રેસ પૂરી કરી હતી. ઈન્ડોનેશિયાના લુહુત મેમો 7:19.60 મિનિટ સાથે ત્રીજા સ્થાને અને થાઈલેન્ડના પાયસિન વટ્ટાનાનુસિથ 7:29.89 મિનિટ સાથે ચોથા સ્થાને રહ્યાં હતા.  લિબિયાના મુઅમર બુકરાહે 7:45.55 મિનિટ સાથે પાંચમું સ્થાન મેળવ્યું હતું


બલરાજની સફર


બલરાજ પોતાની મહેનત અને સમર્પણથી ભારતીય રોઈંગમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. તેણે ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને તેની પ્રતિભા સાબિત કરી છે. તેનું ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવું એ ભારતીય રમતપ્રેમીઓ માટે ગર્વની વાત છે અને યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે.


હવે બલરાજનું આગામી લક્ષ્ય ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરવાનું છે. માત્ર તેનો પરિવાર અને કોચ જ નહીં પરંતુ સમગ્ર દેશને તેની સિદ્ધિ પર ગર્વ છે. ભારતીય રમતપ્રેમીઓની પ્રાર્થના અને સમર્થન તેની સાથે છે અને દરેક તેની પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા રાખે છે.


રેસ દરમિયાન બલરાજ સતત બીજા સ્થાને રહ્યો


બલરાજ સમગ્ર રેસ દરમિયાન બીજા સ્થાને રહ્યો હતો. તેણે 500 મીટરનું અંતર એક મિનિટ 44:13 સેકન્ડમાં, 1000 મીટરનું અંતર ત્રણ મિનિટ 33:94 સેકન્ડમાં અને ત્યારબાદ 1500 મીટરનું અંતર પાંચ મિનિટ 23:22 સેકન્ડમાં કાપ્યું હતું. આ પછી તેણે 2000 મીટરની રેસ સાત મિનિટ 12.41 સેકન્ડમાં પૂરી કરી હતી.