Paris Olympics 2024 IND vs GER Hockey Live: સેમિ ફાઈનલમાં ભારતની હાર, જર્મનીએ 3-2થી હરાવ્યું

ભારત અને જર્મની ઓલિમ્પિકમાં 4 વખત સામસામે આવી ચૂક્યા છે. જેમાં ભારતીય ટીમને માત્ર 1 જીત મળી છે જ્યારે 3 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 07 Aug 2024 12:03 AM
IND vs GER Hockey Live: જર્મનીએ લીધી લીડ

જર્મનીએ ચોથા ક્વાર્ટરમાં લીડ મેળવીને મેચમાં વાપસી કરી હતી. માર્કો મિલ્ટકાઉએ 54મી મિનિટે જર્મની માટે ગોલ કરીને જર્મનીને ભારત પર 3-2ની નોંધપાત્ર લીડ અપાવી હતી. ભારતે મેચમાં વાપસી કરવા આક્રમક રમત બતાવવી પડશે.

IND vs GER Hockey Live: ત્રીજું ક્વાર્ટર સમાપ્ત

ભારત અને જર્મની વચ્ચેની સેમી ફાઈનલ મેચનો ત્રીજું ક્વાર્ટર સમાપ્ત થઈ ગયું છે. હાફ ટાઈમ બાદ ભારતે જોરદાર વાપસી કરી હતી અને 36મી મિનિટે સુખજીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવવામાં કોઈ સમય બગાડ્યો નહોતો. આ રીતે ભારતે સ્કોર 2-2થી બરાબર કરી લીધો હતો. હવે 15 મિનિટની રમત બાકી છે અને બંને ટીમો લીડ લેવાનો પ્રયાસ કરશે.

IND vs GER Hockey Live: ભારતે બરાબરી કરી લીધી

ભારતીય ટીમે ત્રીજા ક્વાર્ટરમાં ગોલ કરીને સમાનતા હાંસલ કરી લીધી છે. ભારત માટે સુખજીત સિંહે 36મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરી કરી દીધો હતો.

IND vs GER Hockey Live: ત્રીજો ક્વાર્ટર શરૂ 

 હાફ ટાઈમ બાદ ભારત અને જર્મની વચ્ચે સેમિફાઈનલ મેચનો ત્રીજો ક્વાર્ટર શરૂ થઈ ગયો છે. બીજા ક્વાર્ટર બાદ જર્મનીએ 2-1થી સરસાઈ મેળવી લીધી છે.

IND vs GER Hockey Live: બીજું ક્વાર્ટર સમાપ્ત

ભારત અને જર્મની વચ્ચેની સેમી ફાઈનલ મેચનો બીજો ક્વાર્ટર સમાપ્ત થઈ ગયો છે. ભારતે પહેલા ક્વાર્ટરમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી, પરંતુ બીજા ક્વાર્ટરમાં જર્મનીએ પહેલા પેનલ્ટી કોર્નર પર અને પછી પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને 2-1થી સરસાઈ મેળવી લીધી હતી. પ્રથમ હાફના અંત સુધીમાં, જર્મનીએ પુનરાગમન કર્યું હતું અને ભારત શક્ય તેટલી વહેલી તકે લીડ લેવાનો પ્રયાસ કરશે.

IND vs GER Hockey Live: જર્મનીએ લીડ લીધી

જર્મનીને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો અને તેણે કોઈ ભૂલ કર્યા વિના સરસાઈ મેળવી લીધી. જર્મની માટે બીજા ક્વાર્ટરમાં ક્રિસ્ટોફર રુહેરે પેનલ્ટી સ્ટ્રોક પર શાનદાર ગોલ કરીને ટીમને 2-1ની સરસાઈ અપાવી હતી.

IND vs GER Hockey Live: જર્મનીએ પણ ગોલ કર્યો

જર્મનીએ બીજા ક્વાર્ટરમાં પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારત સામે સ્કોર 1-1 કર્યો હતો. જર્મની માટે ગોન્ઝાલો પિલાટે 18મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ટીમને બરોબરી અપાવી હતી.

IND vs GER Hockey Live: પ્રથમ ક્વાર્ટર સમાપ્ત

ભારતીય પુરૂષ હોકી ટીમે જર્મની સામે સેમિફાઇનલ મેચના પ્રથમ ક્વાર્ટરમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ ક્વાર્ટરમાં સાત પેનલ્ટી કોર્નર જીત્યા જેમાંથી એક ગોલમાં ફેરવાઈ ગયો. ભારત માટે હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવવામાં કોઈ ભૂલ કરી ન હતી અને ભારતને લીડ અપાવી હતી. પેરિસ ઓલિમ્પિકમાં હરમનપ્રીતનો આ આઠમો ગોલ હતો.

IND vs GER Hockey Live: ભારતે લીડ લીધી

ભારતીય હોકી ટીમે જર્મની સામેની સેમી ફાઈનલ મેચના પહેલા ક્વાર્ટરમાં ગોલ કરીને લીડ મેળવી લીધી છે. કેપ્ટન હરમનપ્રીત સિંહે સાતમી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો હતો. હાલ ભારત 1-0થી આગળ છે.

IND vs GER Hockey Live: ભારતને ફરીથી પેનલ્ટી કોર્નર મળ્યો

પેરિસ ઓલિમ્પિક 2024માં હોકીની સેમિ ફાઈનલમાં ભારતને પહેલા જ ક્વાર્ટરમાં જર્મની સામે ત્રીજો પેનલ્ટી કોર્નર મળ્યો હતો. ભારત પ્રથમ બે પેનલ્ટીને ગોલમાં બદલી શક્યું ન હતું. ભારત પાસે ત્રીજી વખત ગોલ કરવાની સારી તક હતી, પરંતુ ટીમ ફરી ચૂકી ગઈ.

IND vs GER Hockey Live: ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો

ભારતીય પુરૂષ હોકી ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો છે અને ટીમ તેને ગોલમાં ફેરવીને લીડ લેવાનો પ્રયાસ કરશે. ભારત આ તકનો ફાયદો ઉઠાવી શક્યું નહીં, પરંતુ વધુ એક પેનલ્ટી કોર્નર મેળવવામાં સફળ રહ્યું. જોકે, બીજા પેનલ્ટી કોર્નર પર પણ ભારત ગોલ કરી શક્યું ન હતું.

IND vs GER Hockey Live: લલિત ઉપાધ્યાયના પરિવારજનોએ પ્રભુને કરી પ્રાર્થના

ભારતીય હોકી ખેલાડી લલિત ઉપાધ્યાયના પિતા સતીશ ઉપાધ્યાય કહે છે, અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ વખતે મેડલનો રંગ બદલાય. સરકારે અમારા માટે ઘણું કર્યું છે. દેશ માટે કંઈક કરવું એ આપણી ફરજ છે. આખી ટીમ એકતા સાથે રમશે અને જર્મનીને હરાવી દેશે... બાકી ભગવાનના હાથમાં છે.

IND vs GER Hockey Live: સ્ટેડિયમ બહાર ફેંસ ઉમટ્યા

ઓલિમ્પિકમાં ભારત અને જર્મની વચ્ચે રમાનારી સેમિ ફાઈનલ નીહાળવા મોટી સંખ્યામાં ફેંસ ઉમટ્યા છે.





IND vs GER Hockey Live: ભારતને રોહિદાસની ખોટ કરશે

બ્રિટન સામે, ભારતે 10 ખેલાડીઓ સાથે લગભગ 42 મિનિટ રમી કારણ કે અમિત રોહિદાસને લાલ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. હવે સેમિફાઇનલમાં પણ ભારતે તેના નંબર વન ફર્સ્ટ રશર વિના રમવું પડશે જેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રોહિદાસની ગેરહાજરી પેનલ્ટી કોર્નરમાં પણ ભારતને નુકસાન પહોંચાડશે કારણ કે તે કેપ્ટન હરમનપ્રીત સિંઘ પછી ભારતના ડ્રેગ ફ્લિક નિષ્ણાત છે. તેની ગેરહાજરીમાં હરમનપ્રીત પર વધારાનું દબાણ રહેશે જે શાનદાર ફોર્મમાં છે અને તેણે અત્યાર સુધીમાં સાત ગોલ કર્યા છે.

થોડીવારમાં શરૂ થશે મુકાબલો

પેરિસ ઓલિમ્પિકમાં ભારત અને જર્મની વચ્ચે થોડીવારમાં સેમિ ફાઈનલ મુકાબલો શરૂ થશે. બંને ટીમના ફેંસ મેચને લઈ  ઉત્સાહિત છે. જીતનારી ટીમ ફાઈનલમાં પહોંચશે અને મેડલ પાક્કો થઈ જશે.

Paris Olympics 2024, IND vs GER: હોકીમાં મેડલ પાક્કો

ભારતીય હોકી ટીમ આજે રાત્રે 10:30 કલાકે સેમિફાઇનલ મેચમાં જર્મની સામે ટકરાશે. આ એ જ જર્મની છે, જેને ટીમ ઈન્ડિયાએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત અને જર્મની વચ્ચે રમાયેલી છેલ્લી 8 હોકી મેચોમાંથી સાતમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે. આજની મેચમાં જર્મનીને હરાવીને ભારત ઓછામાં ઓછું સિલ્વર મેડલ નિશ્ચિત કરશે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs GER Hockey Match:  આજે ભારતીય હોકી ટીમ પાસે મેડલ નિશ્ચિત કરવાની તક હશે. સેમિફાઇનલમાં ભારતનો સામનો જર્મની સામે થશે. આ પહેલા ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. જોકે, જર્મની સામેની સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટા સમાચાર છે. ભારતના અનુભવી ખેલાડી અમિત રોહિદાસ આ મહત્વપૂર્ણ મેચમાં ટીમનો ભાગ નહીં હોય. પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા જર્મની સામે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો કે, અમે તમને જણાવીશું કે તમે ભારત-જર્મની સેમિફાઇનલ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો?


ક્યાં રમાશે મુકાબલો


યવેસ-ડુ-મનોઇર સ્ટેડિયમમાં સેમિફાઇનલ મેચમાં ભારત અને જર્મની સામસામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 વાગ્યે શરૂ થશે. ભારતીય ચાહકો જિયો સિનેમા પર ભારત અને જર્મનીની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. Jio સિનેમા પર, ચાહકો હિન્દી અને અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓમાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. આ સિવાય તમે સ્પોર્ટ્સ-18 નેટવર્ક પર લાઈવ બ્રોડકાસ્ટ જોઈ શકશો. સ્પોર્ટ્સ-18 નેટવર્કની વિવિધ ચેનલો પર ચાહકો ઘણી ભારતીય ભાષાઓમાં મેચનો આનંદ માણી શકશે.


ઓલિમ્પિકમાં ભારત સામે જર્મનીનો દબદબો


ભારત અને જર્મની ઓલિમ્પિકમાં 4 વખત સામસામે આવી ચૂક્યા છે. જેમાં ભારતીય ટીમને માત્ર 1 જીત મળી છે જ્યારે 3 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં જર્મનીને 5-4થી હરાવીને 41 વર્ષ બાદ હોકીમાં મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને હરાવ્યું હતું. ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચેની ક્વાર્ટર ફાઈનલનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટમાં થયો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.