Manu Bhaker 2nd Medal In Paris Olympics 2024: મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં બીજો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ વખતે મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ ઈવેન્ટમાં મનુની સાથે સરબજોત સિંહ તેની ટીમમાં સામેલ હતો. આઝાદી પછી મનુ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. આ પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલની સિંગલ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો.






10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં મુન ભાકર અને સરબજોત સિંહની જોડી બ્રોન્ઝ મેડલ માટે કોરિયાની વોન્હો અને ઓહ યે જિનની જોડી સામે ટકરાયા હતા.  ભારતીય જોડીએ 16-10ના સ્કોર સાથે મેચ જીતી લીધી હતી.   


મનુ-સરબજોતની જોડીએ પેરિસમાં કરી કમાલ


બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયન જોડી સાથે મનુ અને સરબજોતની લડાઈ આસાન નહોતી. કોરિયાએ પ્રથમ સેટ જીતીને આ મેચની શરૂઆત કરી હતી. જો કે તે પછી મનુ અને સરબજોતે સતત 5 સેટ જીત્યા હતા. કોરિયાએ ફરીથી મેચમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મનુ અને સરબજોતની એકાગ્રતાએ તેમને હંફાવી દીધા અને અંતે મેડલ ભારતના નામ થયો. 


અગાઉ, મનુ ભાકર અને સરબજોત સિંહે 29 જુલાઈના રોજ 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું હતું. આ બંનેએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 20 પરફેક્ટ શોટ બનાવ્યા હતા અને તેના દ્વારા તેમણે 580 પોઈન્ટ મેળવ્યા હતા.


મનુ ભાકરે ટોક્યોની નિષ્ફળતાને પેરિસમાં  પાછળ છોડી 


મનુ ભાકર પેરિસમાં તેની બીજી ઓલિમ્પિક રમી રહી છે. અગાઉ, જ્યારે તેણે ટોક્યોમાં ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તેને ત્યાંથી ખાલી હાથ પરત ફરવું પડ્યું હતું. ટોક્યોમાં મનુ ભાકરની નિષ્ફળતાનું કારણ તેની નબળી રમત નહીં પરંતુ પિસ્તોલમાં ટેકનિકલ ખામી હતી. ટોક્યોમાં નિષ્ફળતા બાદ મનુને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, સારી વાત એ છે કે મનુ ભાકર પેરિસથી ખાલી હાથ પરત નથી આવી રહી.તેણે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલ ખાતું પણ ખોલ્યું છે. 






પ્રધાનમંત્રી મોદીએ પાઠવી શુભેચ્છા


પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરી દેશને બીજો મેડલ અપાવવા બદલ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મનુ ભાકર અને સરબજૌત સિંહને શુભેચ્છાઓ પાઠવી હતી.