પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થવામાં વધુ સમય બાકી નથી. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે. આ ઓલિમ્પિકમાં તમામની નજર ભારતીય પુરુષ હૉકી ટીમ પર રહેશે. ભારતીય હૉકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે તે મેડલનો રંગ બદલવા માંગશે. મનપ્રીત સિંહે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હૉકી ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ વખતે હરમનપ્રીત સિંહ ભારતની કેપ્ટનશીપ કરશે.






જો કે મનપ્રીત સિંહ પણ પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડી તરીકે ભાગ લેવા જઈ રહ્યો છે. મનપ્રીત ચોથી વખત ઓલિમ્પિકમાં રમશે. આવી સ્થિતિમાં મનપ્રીત ચાર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારો ચોથો ભારતીય હૉકી ખેલાડી બનશે. આ પહેલા માત્ર લેસ્લી ક્લાઉડિયસ, ઉધમ સિંહ અને ધનરાજ પિલ્લે જ આ કરી શક્યા હતા. એશિયન ગેમ્સ 2014 અને 2022માં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો ભાગ બનેલા મનપ્રીતે ભારત માટે 370 મેચમાં 27 ગોલ કર્યા છે.


જ્યારે પૂર્વ કોચ મારિને આ આરોપો લગાવ્યા હતા


મનપ્રીત સિંહે ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ તેની કારકિર્દીના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ભૂતપૂર્વ કોચ શોર્ડ મારિને તેમના પુસ્તકમાં આરોપ લગાવ્યો હતો કે 2018 કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન મનપ્રીત સિંહે જાણીજોઈને એક યુવા ખેલાડીને ખરાબ રમવા માટે કહ્યું જેથી તેના મિત્રને ટીમમાં સ્થાન મળી શકે.  મનપ્રીતે આ આરોપો વિશે કહ્યું હતું કે તે સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને તેણે દરેકમાંથી વિશ્વાસ ગુમાવી દીધો હતો, જોકે, ટીમે તેને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું જેના કારણે તે આમાંથી બહાર આવી શક્યો હતો.


ઓલિમ્પિયન પરગટ સિંહને પોતાનો આઇડલ માનતા મનપ્રીતે કહ્યું કે ટોક્યોથી પેરિસ સુધીની ટીમની તૈયારીઓમાં બહુ ફેરફાર થયો નથી. તેણે કહ્યું, 'ટોક્યો ઓલિમ્પિક પહેલા કોવિડને કારણે ખેલાડીઓ લાંબા સમય સુધી સાથે હતા જેના કારણે સંકલન ઉત્તમ હતું. તે જ ચાલુ રહેશે કારણ કે ટોક્યોમાં જે 11 ખેલાડીઓ હતા તે સમાન છે. અમે પાંચ નવા ખેલાડીઓ સાથે અમારા અનુભવો શેર કરી રહ્યા છીએ. કોઈપણ ટીમને હળવાશથી લઇશું નહીં


મનપ્રીત ધોનીની જેમ 7 નંબરની જર્સી પહેરે છે


પોતાના મનપસંદ ખેલાડીઓ મહેન્દ્ર સિંહ ધોની અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જેમ સાત નંબરની જર્સી પહેરનાર મનપ્રીતે કહ્યું કે ઓલિમ્પિકમાં કોઈપણ ટીમને હળવાશથી લઈ શકાય નહીં. તેણે કહ્યું, 'અમારો પૂલ અઘરો છે અને અમે કોઈપણ ટીમને હળવાશથી લઈ શકતા નથી. ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપમાં અમને હરાવ્યું છે અને તાજેતરમાં આયરલેન્ડે બેલ્જિયમને હરાવ્યું છે. અમારું ધ્યાન અમારી વ્યૂહરચના કેવી રીતે અમલમાં મુકવી તેના પર છે. સારી ટીમો સામે તકો ઓછી મળે છે પરંતુ તે તકોને તરત જ ઝડપી લેવી એ ચેમ્પિયનની નિશાની છે.


ભારતીય ટીમ 27 જૂલાઈએ ન્યૂઝીલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ટીમ 29 જુલાઈએ આર્જેન્ટિના સામે ટકરાશે. ત્યાર બાદ ભારતનો મુકાબલો 30મી જુલાઈએ આયરલેન્ડ, 1, ઓગસ્ટે બેલ્જિયમ અને 2, ઓગસ્ટે ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતે અત્યાર સુધીમાં 8 ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત કુલ 12 ઓલિમ્પિક મેડલ જીત્યા છે.