Olympics Novak Djokovic: પેરિસ ઓલિમ્પિક 2024માં નોવાક જોકોવિચે મેન્સ ટેનિસ સિંગલ્સમાં કાર્લોસ અલ્કારાઝને ફાઇનલમાં હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. જોકોવિચે અલ્કારાઝને સીધા સેટમાં 7-6 (7-3), 7-6 (7-2)થી હરાવ્યો. તેઓ ટેનિસમાં સૌથી વયોવૃદ્ધ ઓલિમ્પિક ચેમ્પિયન પણ બન્યા. અલ્કારાઝ પાસે ટેનિસમાં સૌથી ઓછી ઉંમરના ઓલિમ્પિક વિજેતા બનવાની તક હતી, પરંતુ તે ચૂકી ગયા.
અલ્કારાઝ માટે પ્રારંભિક સેટની શરૂઆત સારી નહોતી. તેમણે પોતાની સર્વિસ જાળવી રાખવા માટે એક બ્રેક પોઇન્ટ બચાવ્યો. જોકોવિચે ત્રણ બ્રેક પોઇન્ટ મેળવ્યા, પરંતુ અલ્કારાઝે સ્કોર 2-2 કરી દીધો. આગામી ગેમમાં, અલ્કારાઝ પાસે જોકોવિચની સર્વિસ તોડવાની તક હતી, પરંતુ જોકોવિચે પોતાની સર્વિસ જાળવી રાખી.
નવમી ગેમ સંપૂર્ણપણે રોમાંચક રહી. જોકોવિચે પાંચ બ્રેક પોઇન્ટ બચાવ્યા અને આખરે પોતાની સર્વિસ બચાવી અને સ્કોર 5-4 કર્યો. અનુભવી ખેલાડીએ ઘણી વખત પોતાને બેકફૂટ પર ધકેલ્યો, પરંતુ દરેક વખતે પોતાને બચાવવાનો રસ્તો શોધી કાઢ્યો.
આ ગેમ છેલ્લી ક્ષણ સુધી ચાલ્યો, જ્યારે જોકોવિચે એક સેટ પોઇન્ટ મેળવ્યો, પરંતુ અલ્કારાઝે તેને બચાવીને ટાઇ-બ્રેકર માટે મજબૂર કરી દીધો. ટાઇ-બ્રેકરમાં પણ મુકાબલો 3-3થી બરાબરી પર હતો, પરંતુ જોકોવિચે સતત ચાર પોઇન્ટ જીત્યા.
પ્રથમ સેટની જેમ બીજો સેટ પણ ટાઇ-બ્રેકર સુધી ગયો. જોકે, અંતે સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચે અલ્કારાઝને હરાવીને પોતાનો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો. તેઓ ટેનિસમાં સૌથી વયોવૃદ્ધ ઓલિમ્પિક ચેમ્પિયન પણ બન્યા.
આ જીત સાથે નોવાક જોકોવિચ ચારેય ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર વિશ્વનો પાંચમો ખેલાડી બની ગયો છે અને તેના નામે ઓલિમ્પિક ગોલ્ડ પણ છે. જોકોવિચ પહેલા માત્ર સ્ટેફી ગ્રાફ, આન્દ્રે અગાસી, રાફેલ નડાલ, સેરેના વિલિયમ્સ જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા. હવે આ ચાર ખેલાડીઓની સાથે નોવાકનું નામ પણ કરિયરના ગ્રાન્ડ સ્લેમ વિજેતાઓની યાદીમાં આવી ગયું છે. ચારેય ગ્રાન્ડ સ્લેમ અને ઓલિમ્પિક ગોલ્ડ જીતવાની સિદ્ધિને કરિયર ગોલ્ડન સ્લેમ કહેવામાં આવે છે.