પેરિસ ઓલિમ્પિકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે ભારતને આશા છે કે ખેલાડીઓ પેરિસમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપશે. લાંબા સમય બાદ ટોક્યો 2020માં મેડલનો દુષ્કાળ ખતમ કરનાર ભારતીય પુરુષ હૉકી ટીમની નજર હવે ગોલ્ડ મેડલ પર રહેશે. 1980માં મોસ્કો ઓલિમ્પિક બાદ ભારતે આ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો નથી. ભારતે અત્યાર સુધીમાં હૉકીમાં કુલ 12 મેડલ જીત્યા છે, જેમાં આઠ ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.


ભારતે 41 વર્ષ બાદ જીત્યો હતો મેડલ


ભારતીય પુરુષ હૉકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં જર્મનીને 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય પુરૂષ હૉકી ટીમે આ રીતે ઓલિમ્પિક ગેમ્સમાં 41 વર્ષ બાદ મેડલ જીત્યો હતો. 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ તે તેની પ્રથમ પોડિયમ ફિનિશ હતી. હૉકીમાં આ ભારતનો ત્રીજો બ્રોન્ઝ મેડલ પણ હતો. આ વખતે મેન્સ ટીમ મેડલનો રંગ બદલવાનો પ્રયાસ કરશે. ટીમ પાસેથી વધુ અપેક્ષાઓ હશે કારણ કે મહિલા હૉકી ટીમ પેરિસ ગેમ્સ માટે ક્વોલિફાય કરી શકી નથી.


ભારતને આ વખતે એથ્લેટિક્સ પાસેથી પણ ઘણી અપેક્ષાઓ છે, જેમાં ગત વખતે ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 121 વર્ષમાં પ્રથમ વખત ભારતે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં વેઈટલિફ્ટિંગ, બેડમિન્ટન, હૉકી, બોક્સિંગ, કુસ્તી અને એથ્લેટિક્સમાં મેડલ જીત્યા હતા. રસપ્રદ વાત એ છે કે ઓલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હૉકીમાં રહ્યું છે અને દેશે આ રમતમાં સૌથી વધુ મેડલ જીત્યા છે.


ભારત માટે હૉકીમાં સુવર્ણ યુગની શરૂઆત 1928માં એમ્સ્ટર્ડમ ઓલિમ્પિકથી થઈ હતી. અનુભવી ખેલાડી ધ્યાનચંદના નેતૃત્વમાં ભારતીય પુરૂષ હૉકી ટીમે 29 ગોલ કર્યા અને તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી, ટીમે 1932 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો અને સફળતાપૂર્વક પોતાના ટાઇટલનો બચાવ કર્યો. ત્યારબાદ 1936 બર્લિન ઓલિમ્પિકમાં ભારતે સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીતીને ગોલ્ડન હેટ્રિક નોંધાવી હતી. બીજા વિશ્વયુદ્ધને કારણે 1940 અને 1944માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને ત્યારબાદ ભારતે 1948માં લંડન ઓલિમ્પિકમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે તેની પ્રથમ સમર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. ભારતે અહીં પણ પોતાની છાપ છોડી અને હૉકીમાં સતત ચોથો ગોલ્ડ જીત્યો. આ પછી 1952 અને 1956માં પણ ટીમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ રીતે ભારતે સતત છ ઓલિમ્પિકમાં હૉકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


1960 રોમ ઓલિમ્પિકમાં ભારતીય પુરૂષ હૉકી ટીમ ફાઇનલમાં પાકિસ્તાન સામે 0-1થી હારી ગઈ હતી, આમ તેનો ગોલ્ડ મેડલ જીતવાનો સિલસિલો સમાપ્ત થયો હતો. તે સમયે ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે ચાર વર્ષ બાદ 1964માં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને જૂની હારનો બદલો લીધો હતો. મેક્સિકો સિટીમાં આયોજિત 1968 ઓલિમ્પિકમાં પુરુષોની હૉકી ટીમે સારું પ્રદર્શન કર્યું ન હતું અને સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ટીમે પશ્ચિમ જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 1972ની મ્યુનિક ઓલિમ્પિકમાં પણ ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. તે સમયે પાકિસ્તાને સેમિફાઇનલમાં ભારતને હરાવ્યું હતું, પરંતુ ભારતીય ટીમે નેધરલેન્ડને હરાવીને ઓલિમ્પિકમાં બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 1980 મોસ્કો ઓલિમ્પિકમાં પુરુષોની હૉકી ટીમે ફરીથી પ્રભુત્વ જમાવ્યું અને સ્પેનને હરાવીને આઠમી વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય પુરૂષ હોકી ટીમનું વર્ચસ્વ આ પછી લાંબા સમય સુધી ગાયબ થઈ ગયું અને ટીમ ટોક્યો 2020 સુધી કોઈ મેડલ જીતી શકી નહીં. જો કે ટોક્યોમાં ભારતનો 41 વર્ષના મેડલ જીતવાનો દુષ્કાળ સમાપ્ત થયો, પરંતુ ભારત 44 વર્ષથી ઓલિમ્પિકમાં હૉકીમાં ગોલ્ડ જીતી શક્યું નથી.


ટેનિસમાં માત્ર એક જ મેડલ આવ્યો છે


1924 પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ટેનિસમાં ડેબ્યૂ કર્યું હતું. સિંગલ્સ કેટેગરીમાં ચાર પુરુષ અને એક મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં બે જોડીએ ભાગ લીધો હતો. જોકે, આ રમતમાં ભારતનું પ્રદર્શન ઓલિમ્પિકમાં વધુ સારું રહ્યું નથી અને દેશે અત્યાર સુધી માત્ર એક જ મેડલ જીત્યો છે. લિએન્ડર પેસે 1996માં એટલાન્ટા ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જે ઓલિમ્પિકમાં ટેનિસમાં ભારતનો એકમાત્ર મેડલ છે. પેસ ફર્નાન્ડો મેલિગેનીને હરાવીને પોડિયમ પર પહોંચી ગયો હતો.