નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ સિલ્વર મેડલ જીત્યો છે. જોકે, ફાઇનલમાં તે ગોલ્ડ મેડલથી ચૂકી ગયા હતા. ફાઇનલ મેચમાં રશિયન કુસ્તીબાજ ઝવુર યુગેવે તેને હરાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા પર રવિ દહિયાને  હરિયાણા સરકારે ઇનામની જાહેરાત કરી હતી.


મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રવિ દહિયાએ ચાર કરોડ રૂપિયા ઇનામની  જાહેરાત કરી હતી. આ સાથે જ રવિ દહિયાના સોનીપત સ્થિત નાહરી ગામમાં એક ઇન્ડોર સ્ડેડિયમ બનાવવાની પણ જાહેરાત કરાઇ હતી.


ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારા કુસ્તીબાજ રવિ દહિયાને વડાપ્રધાન મોદીએ અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, રવિ કુમાર દહિયા એક શાનદાર પહેલવાન છે. તેમની લડાઇની ભાવના અને તપ ઉત્કૃષ્ઠ છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન. ભારતને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે. ટોક્યો ઓલિમ્પિકમાં આ સાથે ભારતને બીજો સિલ્વર મેડલ મળ્યો છે. તેમજ અત્યાર સુધીમાં ભારતને બે સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળી ચૂક્યા છે.


નોંધનીય છે કે રવિ દહિયા ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનાર બીજો ભારતીય પહેલવાન છે.કુસ્તીમાં ભારતનો આ બીજો સિલ્વર છે. આ અગાઉ સુશીલ કુમાર લંડન ઓલિમ્પિક 2012ની ફાઇનલમાં પહોંચ્યા હતા પરંતુ તેઓને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતે બીજો સિલ્વર મેડલ જીત્યો હતો આ અગાઉ મીરાબાઇ ચાનુ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતી હતી. ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં  5 મેડલ આવ્યા છે. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં 65માં ક્રમે છે. અમેરિકા 29 ગોલ્ડ, 35 સિલ્વર અને 27 બ્રોન્ઝ એમ 91  મેડલ સાથે પ્રથમ ક્રમે છે. તો ચીન 34 ગોલ્ડ, 24 સિલ્વર અને 16 બ્રોન્ઝ મળી કુલ 74 મેડલ સાથે બીજા ક્રમે છે.   જાપાન 22 ગોલ્ડ, 10 સિલ્વર અને 14 બ્રોન્ઝ એમ મળી કુલ 46 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.