ભારતના મરિયપ્પન થંગાવેલુંએ ટોક્યો પેરાલિમ્પિકમાં  પુરુષોની ઉંચી કૂદ ટી 63 ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ જીત્યો હતો. આ જ સ્પર્ધામાં શરદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ 10મો મેડલ છે. શરદ કુમારે પુરુષોની ઉંચી કૂદ ટી 63 ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


 










પુરુષોની ઉંચી કૂદ ટી63 સ્પર્ધામાં મરિયપ્પને 1.86 મીટર તો શરદ કુમારે1.83 મીટરની કૂદ લગાવી હતી. અમેરિકાના સૈમ ક્રૂ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. ટોક્યોમાં ઉંચી કૂદમાં ભારતે અત્યાર સુધી ત્રણ મેડલ જીત્યા છે. આ અગાઉ ભારતના નિષાદ કુમારે રવિવારે પુરુષોની ઉંચી કૂદ ટી-47 સ્પર્ધામાં એશિયાઇ રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.


આ સાથે મરિયપ્પને પેરાલિમ્પિકમાં સતત બીજી વખત મેડલ જીત્યો છે. આ અગાઉ તેમણે રિયો 2016 પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. વર્તમાન પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 10 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ, પાંચ સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસનું ભારતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.