CAS Verdict on Vinesh Phogat Silver Medal: ભારતીય કુસ્તીબાજો રાહ જોઈ રહ્યા છે કે તેમને સિલ્વર મેડલ આપવાની અરજી પર CAS શું નિર્ણય આપે છે. વિનેશની રાહ વધી ગઈ છે કારણ કે CASએ નિર્ણયની તારીખ 11મી ઓગસ્ટ સુધી લંબાવી છે. રમતગમતની આર્બિટ્રેશન કોર્ટ CAS એ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હવે નિર્ણય 11 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે, એટલે કે વિનેશે વધુ 24 કલાક રાહ જોવી પડશે.


જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવે વિનેશ ફોગટના અયોગ્યતાના કેસનો નિર્ણય 11 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે આવશે. તમને જણાવી દઈએ કે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ 50 કિગ્રા કેટેગરીની મહિલા કુશ્તીની ફાઈનલ મેચ પહેલા વિનેશને અયોગ્ય ઠેરવી દીધી હતી કારણ કે તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશ ફોગાટ અને UWW બંનેને તેમના વકીલો પસંદ કરવાની તક આપવામાં આવી હતી.


પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટે જ્યારે ગોલ્ડ મેડલ મેચ માટે પોતાનું સ્થાન નક્કી કર્યું હતું ત્યારે તે ભારતની પ્રથમ મહિલા રેસલર બની હતી જે ઓલિમ્પિકના ઇતિહાસમાં કોઈપણ કિલોગ્રામ કેટેગરીની ફાઇનલ મેચ રમવા જઈ રહી હતી, પરંતુ મેડલ મેચની સવારે જ્યારે તેમનું વજન માપવામાં આવ્યું તો તે નક્કી કરેલી મર્યાદાથી 100 ગ્રામ વધારે હતું. આવી સ્થિતિમાં વિનેશને મુકાબલા માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવી હતી. વિનેશે પોતાનું વજન ઘટાડવા માટે મુકાબલાના એક રાત પહેલાં જોગિંગ, સાયકલિંગ કરવાની સાથે પોતાના વાળ અને નખ પણ કાપ્યા હતા પરંતુ છતાં પણ તે માત્ર 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે ચૂકી ગઈ.


વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ થયા પછી જ્યાં ખૂબ નિરાશ હતી તો ત્યાં તેણે 8 ઓગસ્ટની સવારે કુસ્તીમાંથી પોતાના નિવૃત્તીની પણ જાહેરાત કરી દીધી. વિનેશે રેસલિંગમાં કોમનવેલ્થથી લઈને એશિયન ગેમ્સમાં પદક જીત્યા છે. તેમજ તેમને ભારત સરકાર તરફથી વર્ષ 2016માં જ્યાં અર્જુન પુરસ્કાર મળ્યો હતો તો વર્ષ 2020માં વિનેશને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર પણ મળ્યો હતો.


મહિલા રેસલિંગની 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં વિનેશ ફોગાટે 6 ઓગસ્ટે ત્રણ મેચ રમ્યા હતા. તેણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની યુઈ સુસાકીને 3-2થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં વિનેશનો મુકાબલો યુક્રેનની મહિલા રેસલર ઓક્સાના લિવાચ સાથે થયો જેને તેણે 7-5થી હરાવી અને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું જ્યાં તેની ટક્કર ક્યુબાની રેસલર સાથે થઈ અને આમાં તેણે એકતરફી 5-0થી જીત મેળવીને ગોલ્ડ મેડલ મેચ માટે પોતાનું સ્થાન નક્કી કર્યું હતું.