નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે અનેક સ્પોર્ટ્સ ટુનામેન્ટને અસર થઇ છે. અનેક ટુનામેન્ટને સ્થગિત કરવામાં આવી છે તો અનેક ટુનામેન્ટને રદ કરવામાં આવી છે. ફિફા અંડર-17 મહિલા વર્લ્ડકપને સ્થગિત કરવામાં આવ્યો છે. આ ટુનામેન્ટ આ વર્ષે ભારતના પાંચ શહેરોમાં ર નવેમ્બરથી 21 નવેમ્બર સુધી યોજાવાનો હતો. ફિફાએ તમામ કોન્ફેડ્રેશન સાથે મળીને આ નિર્ણય લીધો છે જેમાં ફૂટબોલની રમતને કોરોના વાયરસના કારણે થયેલી અસર પર ચર્ચા થઇ હતી.
ફિફાએ પોતાના નિવેદનમાં કહ્યુ કે, વર્કિગ ગ્રુપે એ નિર્ણય લીધો છે કે ફિફા અંડર-20 મહિલા વર્લ્ડકપ 2020 જે પનામા અને કોસ્ટા રિકામાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આયોજીત થવાનો હતો. તે સિવાય ફિફા અંડર-17 મહિલા વર્લ્ડકપ 2020 જે ભારતમાં નવેમ્બરમાં યોજાવાનો હતો આ બંન્ને ટુનામેન્ટસને સ્થગિત કરવામાં આવી છે. ફીફાએ કહ્યુ કે, નવી તારીખોની જાહેરાત બાદમાં કરવામાં આવશે.
ફિફાએ કહ્યુ કે, સ્વાસ્થ્ય અમારા માટે પ્રથમ પ્રાથમિકતા છે અને કોઇ પણ નિર્ણય પર પહોંચતા અગાઉ તેના પર ધ્યાન આપવું જોઇએ. ફિફાના અધ્યક્ષ Gianni Infantinoએ કહ્યું કે દુનિયામાં કોઇ જાણતું નથી કે ફૂટબોલની રમત ફરી ક્યારે શરૂ થશે. ફૂટબોલ સૌથી જરૂરી નથી પરંતુ સ્વાસ્થ્ય સૌથી જરૂરી છે. આ બીમારીને હરાવવી પડશે.