ડિએગો મારાડોનાનો જન્મ આર્જેન્ટિનાની રાજધાની બ્યૂનસ આયર્સની ઝૂંપડપટ્ટીના એક કસ્બા લાનુસમાં થયો હતો. મારાડોના સીનિયરના આઠ બાળકોમાંનો પાંચમુ બાળક હતો. તેનુ બાળપણ એકદમ ગરીબીમાં પસાર થયુ. તેના પિતા આજુબાજુના ગામોમાં ફરીને મવેશી વેચ્યા કરતા હતા. બાદમાં તેને કેમિકલ ફેક્ટરીમાં નોકરી મળી હતી.
ખાસ વાત એ છે કે ફૂટબૉલ જગતના ઇતિહાસમાં માત્ર ડિએગો મારાડોના અને મેસ્સી જ એવા ખેલાડી બન્યા જેમને ફીફા અંડર-20 વર્લ્ડકપ અને વર્લ્ડકપમાં ગૉલ્ડન બૉલનો ખિતાબ મળ્યો છે.
બીબીસીના એક રિપોર્ટ પ્રમાણે ડિએગો મારાડોના ઓછામાં ઓછા 11 બાળકોનો પિતા હતો. જોકે કાયદાકીય રીતે તે માત્ર 2 જ બાળકોનો પિતા છે. એક ઇન્ટરવ્યૂમાં તેને પોતાના બાળકો પર ટિપ્પણી કરી હતી કે તેના બે જ કાયદેસરના બાળકો છે, બાકી બધા પૈસા અને ભૂલોનુ પરિણામ છે. ગયા વર્ષે તેને કબુલ કર્યુ હતુ કે ક્યૂબામાં પણ તેના ત્રણ બાળકો છે.
તે પોતાની પત્ની ક્લાઉડિયા વિલફાને મળ્યો ત્યારે તે માત્ર 17 વર્ષની હતી. 10 વર્ષના લાંબા રિલેશનશીપ બાદ ડિએગો મારાડોનાએ 1987માં ક્લાઉડિયા સાથે લગ્ન કરી લીધા. જોકે તેમના સંબંધોનો સુખદ અંત ન હતો આવ્યો, કોર્ટના માધ્યમથી બન્ને વર્ષ 2004માં અલગ થઇ ગયા. ડિએગો મારાડોના પોતાની પત્ની ક્લાઉડિયા સાથે બે દીકરીઓનો પિતા બન્યો હતો.