નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં કેટલાય કિસ્સા એવા છે જે ક્યારેય ભૂલાતા નથી, હવે આ લિસ્ટમાં વધુ એક કિસ્સો જોડાઇ ગયો છે. પાકિસ્તાનનો સ્ટાર ક્રિકેટર ઉમર અકમલે ફરીથી ક્રિકેટ રમવા માટે લાખો રૂપિયાનો દંડ ભર્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનો આ શાનદાર બેટ્સમેન ઉમર અકમલ છેલ્લા એક વર્ષથી ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલો હતો, તેના પર કરપ્શનના આરોપો લાગ્યા હતા જેના કારણે તેને ગયા વર્ષે ફેબ્રુઆરીથી ક્રિકેટથી દુર થવુ પડ્યુ હતુ.
ખાસ વાત છે કે પાક ક્રિકેટર ઉમર અકમલે હવે ક્રિકેટમાં ફરીથી આવવા માટે કરપ્શનના કેસમાં પીસીબી દ્વારા ફટકારવામાં આવેલી સજાને પુરી કરી લીધી છે, પીસીબીએ ઉમર અકમલ પર એક વર્ષ માટે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, અને સાથે સાથે 45 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. જોકે, હવે ક્રિકેટરે 45 લાખનો દંડ ભરી દીધો છે અને ફરીથી ક્રિકેટ માટે ઉપલબ્ધ થયો છે.
ઉમર અકમલ 45 લાખ રૂપિયાનો દંડ ભર્યા બાદ બોર્ડની ભ્રષ્ટાચાર નિરોધક યૂનિટના પુનર્વાસ કાર્યક્રમમાં ભાગ લેવાનો હકદાર બની ગયો છે. પીસીબી સુત્રો પુષ્ટી કરી છે કે ખેલ પંચાટે અકમલ પર જે દંડ લગાવ્યો હતો તેને તે પીસીબીમાં જમા કરાવી દીધો છે. ખેલ પંચાટે ફેબ્રુઆરીમાં પીસીબી અને ઉમર અકમલ દ્વારા દાખલ કરવામા આવેલા કેસમાં સુનાવણી કરતા આ બેટ્સમેન પર આ દંડ ફટકાર્યો હતો. સુ્ત્રોએ કહ્યું- ઉમર અકમલ 45 લાખ રૂપિયાની પુરી રકમ બોર્ડમાં જમા કરાવી દીધી છે, જેનો અર્થ છે કે તે હવે બોર્ડની ભ્રષ્ટચાર નિરોધક યૂનિટાના કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે. તેને પોતાની ક્રિકેટ કેરિયર ફરીથી કરવા માટે જોકે હજુ થોડો સમય રાહ જોવી પડશે.
પીસીબીએ આપી કડક સજા......
આ પહેલા ઉમર અકમલે બોર્ડને કહ્યુ હતુ કે તેની પાસે દંડ ભરવા માટે 45 લાખ રૂપિયા નથી. ઉમર અકમલે બોર્ડ પાસે આ રકમને હત્પામાં ભરવાનો અનુરોધ કર્યો હતો. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અકમલના અનુરોધને ફગાવી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, ઉમર અકમલે ગયા વર્ષે પાકિસ્તાન સુપર લીગમાં ભ્રષ્ટાચારના એક કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. પીસીબીએ પહેલા ઉમર અકમલ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ ઉમર અકમલની અપીલ પર સુનાવણી કરતા પીસીબીએ પ્રતિબંધને ઘટાડીને એક વર્ષ કરી દીધો હતો.
પાકિસ્તાન માટે 200 થી વધુ ઇન્ટરનેશનલ મેચો રમી ચૂકેલા ઉમર અકમલ વિવાદોમાં રહેવાના કારણે જ છેલ્લા બે વર્ષથી પાકિસ્તાની ટીમથી બહાર રહ્યો છે.