લાહોરઃ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે 2008માં 12 એપ્રિલના રોજ ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. આજે તેમને સંતાનમાં એક વર્ષનું બાળક પણ છે. પરંતુ પડોશી દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધોના કારણે તેમના લગ્ન પણ વિવાદમાં આવ્યા હતા. ભારત અને પાકિસ્તાન 2012થી એકબીજા સામે દ્વીપક્ષીય શ્રેણી પણ રમ્યા નથી.


શોએબ મલિકે સાનિયા મિર્ઝા સાથે લગ્ન કરવાના ફેંસલા અંગે ખુલાસો કરતાં કહ્યું કે, બંને દેશોના સંબંધોને લઈ તે ચિંતિત નહોતો. પરંતુ જે વ્યક્તિ સાથે લગ્ન થઈ રહ્યા છે તેનો પ્રેમ મહત્વપૂર્ણ છે ન કે તેનો દેશ. પાક પેશન ડોટ નેટ સાથે વાત કરતાં શોએબે કહ્યું, હું મારા લગ્નને લઈ બિલકુલ ચિંતિત નહોતો. તમારો સાથી ક્યાંનો છે કે દેશો વચ્ચે કે રાજનીતિમાં શું ચાલી રહ્યું છે તે વાતની ચિંતા નથી કરતાં. જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હો અને તે વ્યક્તિ સાથે લગ્ન કર તો તેમાં કંઇ ખોટું નથી. પછી ભલે તે અન્ય દેશના પણ કેમ ન હોય.

મલિકના દાવા પ્રમાણે, ભારતમાં તેના અનેક મિત્રો છે અને તેમની સાથે સંબંધ વર્ષોથી પ્રભાવિત થયા નથી. તેણે જણાવ્યું, મારા અનેક મિત્રો ભારતીય છે અને બંને દેશો વચ્ચેના સંબંધના કારણે મને કંઇ પણ નુકસાન થયું નથી. હું એક ક્રિકેટર છું, રાજનેતા નહીં.

38 વર્ષીય શોએબ મલિકે કહ્યું, હું જલદીથી મારા પરિવારના મળવા તૈયાર છું. પાકિસ્તાનની ટીમ ચાલુ સપ્તાહના અંતે ઈંગ્લેન્ડના પ્રવાસે જવા રવાના થશે. જ્યાં તેને પરિવાર સાથે સમય ગાળવા અને બાદમાં 24 જુલાઈથી ટીમમાં સામેલ થવાની વિશેષ મંજૂરી મળી છે.