નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ભારતના સૌથી મોટા પ્રતિસ્પર્ધી તરીકે પાકિસ્તાનને ગણવામાં આવે છે. બન્નેના મેચના સમયે બન્ને ટીમોના ફેન્સની વચ્ચે સોશિયલ મીડિયા પર અલગ જ જંગ શરૂ થઈ જાયછે. જોકે રવિવારે સોશિયલ મીડિયા પર અલગ જ નજારો જોવા મળ્યો. વર્લ્ડકપમાં ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે મેચ દરમિયાન પાકિસ્તાન ફેન્સ ભારતીય ટીમને ચીયર કરતાં જોવા મળ્યા. એટલું જ નહીં પાકિસ્તાનમાં જય હિંદ ટ્રેન્ડ થવા લાગ્યું. તેનું કારણ સ્પષ્ટ છે, પાકિસ્તાનનો સેમીફાઈનલમાં જવાનો રસ્તો ભારતની જીત પર આધાર રાખતો હતો.



પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન હાલમાં આઠ મેચમાં નવ પોઈન્ટ સાથે જોથા સ્થાન પર છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને પોતાનો અંતિમ મેચ જીતવો જ પડશે. જોકે સેમીફાઈનલમાં પહોંચવા માટે જરૂરી હતું કે ભારત ઇંગ્લેન્ડને હરાવે પરંતું એવું ન થયું. ઇંગ્લેન્ડની જીત સાથે જ હવે પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવાનું લગભગ અશક્ય થઈ ગયું છે.