પાકિસ્તાનના આ બેટ્સમેને ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારવાની સાથે જ વિરાટ કોહલીને રાખ્યો પાછળ, જાણો વિગત
દુબઈઃ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ 92, 62 અને 13 રનની ઈનિંગ રમ્યા બાદ આખરે કરિયરની પ્રથમ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. પ્રથમ ટેસ્ટ સદી મારવા માટે તેણે 17 મેચ રમવી પડી હતી. ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટમાં બાબર આઝમે અણનમ 127 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે તે 2018માં ટેસ્ટ ક્રિકેટમાં સરેરાશના મામલે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીથી આગળ નીકળી ગયો છે.
બાબર આઝમે 2018માં ટેસ્ટ ક્રિકેટની 10 ઈનિંગમાં 67.71ની સરેરાશથી રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 5 અડધી સદી સામેલ છે. જ્યારે વિરાટ કોહલીએ 59.05ની સરેરાશથી 1063 રન નોંધાવ્યા છે. આ ઉપરાંત બાબર ચાલુ વર્ષે 400થી વધારે રન બનાવનારો ખેલાડી પણ બની ગયો છે.
ગત મહિને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં બાબર 99 રન પર આઉટ થઈ ગયો હતો. પાકિસ્તાનના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન તરીકે ઉભરેલા બાબરે સદી ફટકાર્યા બાદ કહ્યું, તેના પર સદી ફટકારવાનું કોઈ દબાણ નહોતું. મેં સાંભળ્યું હતું કે ટેસ્ટ સદી ફટકારવી ખાસ હોય છે, પરંતુ મને આજે આ અનુભવ થઈ રહ્યો છે. હું ઓસ્ટ્રેલિયા સામે 99 રન પર આઉટ થયો હતો. અહીંયા સદી બનાવવી રાહતની વાત છે. સદી બનાવવાની મારો આત્મવિશ્વાસ પણ વધશે.