Deepthi Jeevanji World Record: ભારતની દીપ્તિ જીવનજીએ (Deepthi Jeevanji)  વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવ્યો અને વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. દીપ્તિ જીવનજીએ T-20માં 400 મીટર દોડમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 400 મીટરની દોડ 55.07 સેકન્ડમાં પૂરી કરી હતી. દીપ્તિએ અમેરિકન એથ્લેટ બ્રેના ક્લાર્કનો રેકોર્ડ તોડ્યો હતો. જેણે પેરિસમાં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બનાવ્યો હતો.






અમેરિકાની બ્રેના ક્લાર્કે પેરિસમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 55.12 સેકન્ડનો રેકોર્ડ બનાવ્યો હતો, જે હવે તૂટી ગયો છે. પેરિસમાં તુર્કીની આયસેલ ઓન્ડરે 55.19 સેકન્ડમાં અને ઈક્વાડોરની લિઝાનશેલા એંગ્યુલોએ 56.68 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. આયસેલ ઓન્ડર બીજા ક્રમે અને લિઝાનશેલા એંન્ગુલો ત્રીજા ક્રમે રહી હતી.






દીપ્તિએ અગાઉ એશિયન રેકોર્ડ બનાવ્યો હતો


અગાઉ દીપ્તિ જીવનજીએ રવિવારે યોજાયેલી સ્પર્ધામાં 56.18 સેકન્ડનો સમય લઇને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તેણે 56.18 સેકન્ડ સાથે એશિયન રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે દીપ્તિએ વર્લ્ડ રેકોર્ડ બનાવીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. દીપ્તિએ 20 વર્ષની ઉંમરે તેનું પહેલું વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. તેણે 2022માં દોડવાનું શરૂ કર્યું હતું.


ભારતે ચાર મેડલ જીત્યા છે


નોંધનીય છે કે અત્યાર સુધી ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં કુલ ચાર મેડલ જીત્યા છે. દીપ્તિએ ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો. અગાઉ 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ આવ્યા હતા. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારત કુલ કેટલા મેડલ મેળવે છે.


નોંધનીય છે કે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024 શુક્રવાર, 17 મેથી શરૂ થઈ હતી. ચેમ્પિયનશિપ 25 મે, શનિવારે સમાપ્ત થશે.