Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિકમાં 2 સપ્ટેમ્બરના રોજ ભારતીય ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. આ દિવસે ભારતે 2 ગોલ્ડ મેડલ સહિત 8 મેડલ જીત્યા હતા. પેરા શટલર નિતેશ કુમારે ભારત માટે દિવસનો પહેલો ગોલ્ડ જીત્યો જ્યારે સુમિત અંતિલે ભાલા ફેંકમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે ભારતે એક જ દિવસમાં મેડલ ટેલીમાં 15 સ્થાનની છલાંગ લગાવી છે અને 15માં સ્થાને આવી ગયું છે. ભારતે સોમવારે 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા.


ભારત હવે પેરાલિમ્પિકમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન તરફ આગળ વધી રહ્યું છે. ભારતે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં અત્યાર સુધીમાં 3 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં ટોપ-15માં સામેલ છે. ભારતીય ટીમે ત્રણ વર્ષ પહેલા ટોક્યો પેરાલિમ્પિકમાં 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીત્યા હતા.


નિતેશે ગોલ્ડન શરૂઆત કરી હતી


2 સપ્ટેમ્બરના રોજ 29 વર્ષના નીતિશ કુમારે પેરા બેડમિન્ટન SL-3 કેટેગરીમાં ભારતનો પહેલો ગોલ્ડ જીત્યો હતો. IIT મંડીમાંથી એન્જિનિયરિંગ કરી રહેલા હરિયાણાના નિતેશે એક કલાક અને 20 મિનિટ સુધી ચાલેલી મેચમાં બ્રિટનના બેથેલને 21-14, 18-21, 23-21થી હરાવ્યો હતો.


સુમિતે દેશને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો


26 વર્ષીય સુમિત અંતિલે F64 ભાલા ફેંકમાં 70.59 મીટરના પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. સોનીપતના સુમિતે પોતાનો 68.55 મીટરનો પેરાલિમ્પિક રેકોર્ડ સુધાર્યો જે તેણે ત્રણ વર્ષ પહેલા ટોક્યોમાં બનાવ્યો હતો. તેનો વર્લ્ડ રેકોર્ડ 73.29 મીટર થ્રોનો છે.


તિરંદાજીમાં શીતલ અને રાકેશને બ્રોન્ઝ મળ્યો


ભારતીય તીરંદાજ શિતલ દેવી અને રાકેશ કુમારની જોડીએ મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઓપન ઈવેન્ટમાં ઈટાલીના માતેઓ બોનાસિના અને એલેઓનોરા સારતીને 156-155થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તિરંદાજીમાં મેડલ જીતનારી શીતલ પ્રથમ ભારતીય મહિલા બની હતી. 17 વર્ષની શીતલનો શોટ રિવીઝન પછી અપગ્રેડ કરવામાં આવ્યો ત્યારે ભારત જીત્યું હતું. ચાર તીર બાકી હોવાથી ભારતીય જોડી એક પોઈન્ટથી પાછળ હતી પરંતુ અંતે ધીરજ સાથે રમી અને જીત નોંધાવી હતી. ભારતીયોએ 10, 9, 10, 10 જ્યારે ઇટાલિયન ટીમે 9, 9, 10, 10નો સ્કોર કર્યો હતો.


કથુનિયા, સુહાસ અને તુલસીમતિને સિલ્વર મેડલ


ભારતના યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યા અને સુહાસ યથિરાજ અને તુલસીમતિ મુરુગેસન (SU5) એ બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીત્યા હતા. યોગેશ કથુનિયાએ પેરિસ પેરાલિમ્પિકમાં F56 ડિસ્કસ ઇવેન્ટમાં 42.22 મીટર ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ તેનું આ સીઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. કથુનિયાએ અગાઉ ટોક્યો પેરાલિમ્પિકમાં પણ આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.


મહિલા સિંગલ્સ બેડમિન્ટનમાં 22 વર્ષીય તુલસીમતિને ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનની યાંગ કિયુ શિયા સામે 17-21, 10-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ટોપ સીડ તુલસીમતિને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. દ્વિતીય ક્રમાંકિત મનીષાએ ત્રીજી ક્રમાંકિત ડેનમાર્કની કેથરિન રોસેનગ્રેનને 21-12, 21-8થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નિત્યા સિવને પણ બેડમિન્ટનમાં SH6 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


સુહાસને સતત બીજો સિલ્વર મળ્યો


2007 બેચના IAS અધિકારી LY સુહાસે સતત બીજી પેરાલિમ્પિકમાં SL4 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સુહાસ ફાઇનલમાં ફ્રાન્સના લુકાસ માઝુર સામે સીધી ગેમમાં હારી ગયો હતો. 41 વર્ષના સુહાસને 9-21, 13-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. લુકાસે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ સુહાસને હરાવ્યો હતો.