Paralympics: પેરિસ પેરાલિમ્પિક 2024ના સાતમા દિવસે એટલે કે 4 ઓગસ્ટ (બુધવાર) પર પણ ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. ધર્મબીરે શાનદાર પ્રદર્શન કર્યું અને મેન્સ ક્લબ થ્રો (F51)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ધર્મબીરે ચોથા પ્રયાસમાં 34.92 મીટરનો થ્રો કર્યો હતો. આ ઈવેન્ટમાં ભારતના પ્રણવ સુરમાએ સિલ્વર મેડલ જીત્યો હતો.






પ્રણવે તેના પહેલા જ પ્રયાસમાં 34.59 મીટરનો થ્રો કર્યો હતો. સર્બિયાનો જેલ્ફો દિમિત્રીજેવિક બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો, જેનો સર્વશ્રેષ્ઠ થ્રો 34.18 મીટર હતો. અન્ય ભારતીય અમિત કુમાર સરોહાએ નિરાશ કર્યા હતા અને દસમા સ્થાને (23.96 મીટર) રહ્યો હતો. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ હતો. આ બે મેડલ સાથે ભારતના મેડલની સંખ્યા હવે 24 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.


ધર્મબીરે ભારતને પાંચમો ગોલ્ડ મેડલ અપાવ્યો


ફાઇનલમાં ધર્મબીરની શરૂઆત સારી રહી ન હતી. તેના સતત ચાર થ્રો અમાન્ય જાહેર કરાયા હતા. જોકે, પાંચમી વખત તેણે 34.92ના શ્રેષ્ઠ થ્રો સાથે શાનદાર વાપસી કરી હતી. આ પછી છઠ્ઠા પ્રયાસમાં તેણે 31.59નો થ્રો કર્યો. ધર્મબીરે ભારતને પેરિસ પેરાલિમ્પિકમાં તેનો પાંચમો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ પહેલા બુધવારે તીરંદાજ હરવિંદર સિંહે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ધર્મબીરના ગોલ્ડ સાથે ભારતે ટોક્યોમાં જીતેલા પાંચ ગોલ્ડ મેડલની તેની શ્રેષ્ઠ સંખ્યાની બરાબરી કરી હતી.


સુરમાએ સિલ્વર જીત્યો


સુરમાએ શાનદાર શરૂઆત કરી હતી. તેણે 34.59 અને 34.19ના બંને પ્રારંભિક થ્રો કર્યા હતા. જોકે ત્રીજા પ્રયાસમાં તેને સફળતા મળી ન હતી. ભારતીય એથ્લેટનો ચોથો થ્રો 34.50 હતો જ્યારે પાંચમો થ્રો 33.90 હતો. છઠ્ઠા પ્રયાસમાં તેણે 33.70 મીટરનું અંતર કાપ્યું હતું. પ્રણવે પેરિસ પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.


મેન્સ ક્લબ થ્રો F51 ઈવેન્ટની ફાઇનલમાં અમિત કુમાર સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તે પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહ્યો હતો જ્યારે બીજો થ્રો 21.49 હતો. તેનો ત્રીજો થ્રો ફરી એકવાર અમાન્ય હતો જ્યારે તેના ચોથા પ્રયાસમાં તેણે 23.96નું અંતર કાપ્યું હતું. પાંચમો અને છઠ્ઠો થ્રો પણ અમાન્ય હતો.


ભારત પોઈન્ટ ટેબલમાં 13મા સ્થાને પહોંચી ગયું છે


પેરિસ પેરાલિમ્પિકમાં ભારત પાસે હવે 24 મેડલ છે. જેમાં પાંચ ગોલ્ડ, નવ સિલ્વર અને 10 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આ સાથે ભારત પેરાલિમ્પિક મેડલ ટેબલમાં 13માં સ્થાને પહોંચી ગયું છે. મેડલનો આ આંકડો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ છે.