Paralympics: પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓ એક પછી એક મેડલ જીતી રહ્યા છે. હવે આ યાદીમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી સુહાસ એલ યથિરાજનું નામ પણ જોડાઈ ગયું છે. સુહાસ યથિરાજે મેન્સ સિંગલ્સ SL4 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતના કુલ મેડલની સંખ્યા હવે 12 થઈ ગઈ છે. સુહાસે સતત બીજી વખત પેરાલિમ્પિકમાં મેડલ જીત્યો છે. અગાઉ 2020 પેરાલિમ્પિકમાં પણ સુહાસ યથિરાજ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. આવી સ્થિતિમાં તેઓ હવે પેરાલિમ્પિકમાં સતત બે મેડલ જીતનાર ભારતનો પ્રથમ બેડમિન્ટન ખેલાડી બની ગયા છે.






ફાઈનલ મેચમાં મળી હાર


બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4 કેટેગરીની ફાઈનલ મેચ સુહાસ યથિરાજ અને ફ્રાન્સના લુકાસ મઝુર વચ્ચે રમાઈ હતી. આ ગોલ્ડ મેડલ મેચમાં સુહાસ સતત બે સેટમાં હારી ગયા હતા. સુહાસ માટે પહેલો સેટ ઘણો ખરાબ રહ્યો, તેને 9-21થી હારનો સામનો કરવો પડ્યો. તેમણે બીજી ગેમમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે આ સેટ પણ ગુમાવ્યો. આવી સ્થિતિમાં ફરી એકવાર તેમના નામે માત્ર સિલ્વર મેડલ જ રહ્યો. જો કે, તેમણે ચોક્કસપણે સતત બીજો મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.


કોણ છે IAS સુહાસ યથિરાજ?


સુહાસ એલવાઇનો જન્મ કર્ણાટકના શિમોગામાં થયો હતો. જન્મથી જ દિવ્યાંગ (પગની સમસ્યા) હતી. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું છે. તે નાનપણથી જ બેડમિન્ટન રમતા હતા અને તેમના પરિવારજનોએ તેમને ક્યારેય રોક્યા નથી. સુહાસે તેમની ઈચ્છા મુજબ તે રમત રમી હતી. 2005માં પિતાના અવસાન બાદ તેમના જીવનમાં નવો વળાંક આવ્યો હતો. પિતાના અવસાન બાદ સુહાસે નિર્ણય લીધો હતો કે તેઓ સિવિલ સર્વિસમાં જોડાશે. આ પછી તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. 2007 બેચના આઈએએસ અધિકારી સુહાસે જ્યારે આઝમગઢમાં ડીએમ હતા ત્યારે પ્રોફેશનલ તરીકે બેડમિન્ટનની શરૂઆત કરી હતી અને આજે તેઓ બીજી વખત પેરાલિમ્પિકમાં મેડલ જીતવામાં સફળ રહ્યા છે.


સુહાસ સિલ્વર મેડલ સાથે ભારતે પેરિસ પેરાલિમ્પિક 2024માં કુલ 12 મેડલ જીત્યા છે. શૂટર અવની લેખરા અને પેરા-બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમારે ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સિવાય ભારતે અત્યાર સુધીમાં 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અત્યારે ભારત માટે મેડલની ઘણી વધુ મેચો બાકી છે. આવી સ્થિતિમાં આ સંખ્યા વધુ વધવાની છે.


Paralympics 2024: સુમિત અંતિલે જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ, પેરાલિમ્પિકમાં રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ