PARIS OLYMPIC 2024: ભારતીય રેસલર વિનેશ ફોગાટે કુસ્તીને અલવિદા કહી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો, તારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું, હવે મારી પાસે આનાથી વધુ તાકાત નથી રહી. અલવીદા કુસ્તી 2001-2024. તેણે માફી માંગતા કહ્યું , હું તમારા બધાની હંમેશા ઋણી રહીશ.
વિનેશ ફોગાટે તેના હરીફ સામે સેમિફાઇનલ મેચ 5-0ના માર્જિનથી જીતી હતી અને ઓલિમ્પિક ફાઇનલમાં ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ હતી. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટને વધારે વજનના કારણે ફાઈનલ મેચમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી, ત્યારબાદ તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. વિનેશે કહ્યું હતું કે તેને આ ઈવેન્ટ માટે સિલ્વર મેડલ આપવો જોઈએ.
100 ગ્રામ વધારે વજન હોવાને કારણે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી
રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં ગેરલાયક જાહેર કરવામાં આવી હતી. 50 કિગ્રા કેટેગરીમાં તેનું વજન લગભગ 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશ પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ વજન વધારે હોવાને કારણે તેને ફાઈનલ મેચના કલાકો પહેલા જ અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આવી સ્થિતિમાં, નિયમોના કારણે, તે સેમિફાઇનલ જીત્યા પછી પણ મેડલ ચૂકી ગઈ.
અમેરિકાની કુસ્તીબાજ સામે હતો મુકાબલો
ભારતીય સ્ટાર રેસલર વિનેશ ફોગટ ફાઈનલમાં પહોંચ્યા બાદ તે ગોલ્ડ મેડલ જીતશે તેવું માનવામાં આવી રહ્યું હતું. વિનેશ ફોગાટે મંગળવારે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ ઈવેન્ટની સેમિફાઈનલમાં ક્યુબાની કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેનને 5-0થી હરાવી હતી. વિનેશની ફાઈનલ બુધવારે (7 ઓગસ્ટ) યુએસએની એન સારા હિલ્ડેબ્રાન્ડ સામે થવાની હતી. અગાઉ, તેણીએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન અને ચાર વખતની વિશ્વ ચેમ્પિયન યુઇ સુસાકીને 50 કિગ્રામાં હરાવી હતી.
આ રીતે વજન ઓછું કરવાનો કર્યો હતો પ્રયાસ
મંગળવારે રાત્રે વિનેશનું વજન 52 કિલો હતું, તેણે સાઇકલ ચલાવીને, સ્કિપિંગ વગેરે કરીને પોતાનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શકી નહીં. ગગન નારંગ, દિનશા પારડીવાલા, તેમના પતિ, ફિઝિયો, મેડિકલ સ્ટાફ, IOA અધિકારીઓ, ભારતમાં હાજર લોકો OGQ (ઓલિમ્પિક ગોલ્ડ ક્વિઝ) એ તેમનું વજન ઘટાડવા માટે રાતભર કામ કર્યું. મળતી માહિતી મુજબ- ડૉ. પારડીવાલાએ તો ત્યાં સુધી કહ્યું કે અમે તેમનો જીવ જોખમમાં ન નાખી શકીએ. આ માહિતી મીડિયા રિપોર્ટ્સમાં પણ સામે આવી છે કે તેણે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. વિનેશ વેદનાથી રડી રહી હતી કારણ કે તેનું શરીર તૂટી રહ્યું હતું.